અમદાવાદમાં બોપલ મર્સિડીઝ કાંડના સગીરને જામીન મળ્યા, પિતા ફરાર થયા
- બોપલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને સગીરની અટકાયત કરી હતી
- સગીર હોવા છતાં મર્સિડિઝ કાર ચલાવવા માટે પિતાએ દિકરાને આપી
- આરોપી બિલ્ડરની ધરપકડ કરાશે તેવુ બોપલ પીઆઇએ કહ્યુ
અમદાવાદમાં બોપલ મર્સિડીઝ કાંડના સગીરને જામીન મળ્યા છે તથા પિતા ફરાર થયા છે. બોપલમાં સોબો સેન્ટર પાસે બિલ્ડરના સગીર નબીરાએ પોતાની મજા માટે પૂરઝડપે મર્સિડીઝ હંકારીને નિર્દોષ સિક્યુરિટી ગાર્ડને અડફેટે લેતા મોત નિપજ્યુ છે. જ્યારે પોલીસે સગીરના પિતાને સહ આરોપી બનાવવા માટે કોર્ટમાં રીપોર્ટ કર્યો છે તેની મંજૂરી મળ્યા બાદ આરોપી બિલ્ડરની ધરપકડ કરાશે તેવુ બોપલ પીઆઇએ કહ્યુ હતુ.
આ પણ વાંચો: ગુજરાત: IPS અધિકારીએ મહિલાને પ્રેમમાં ફસાવી દુષ્કર્મ આચર્યું
સગીર હોવા છતાં મર્સિડિઝ કાર ચલાવવા માટે પિતાએ દિકરાને આપી
મહત્વનું છે કે, સગીર હોવા છતાં મર્સિડિઝ કાર ચલાવવા માટે પિતાએ દિકરાને આપી હોવાનો સામે આવ્યુ છતાં પોલીસે બિલ્ડર અને તેના સગીર નબીરાને બચાવવા માટે કોર્ટના રીપોર્ટની રાહ જોઇ રહી હોવાનું રટણ કરી રહી છે. દરમિયાન સગીરને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પરીક્ષા આપવા માટે તા.24મી સુધી વચગાળાના જામીન પર મુકત કર્યો છે. બીજી તરફ્ આ મામલે સગીર સામે તથ્ય પ્રજ્ઞેશ પટેલ અને વિસ્મય શાહ સામે લાગેલ બીનજામીનપાત્ર કલમ (બીએનએસની કલમ 105)નો ઉમેરો કરવા પોલીસે કરેલી અરજી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે.એન.નિમાવતે ગ્રાહ્ય રાખી છે.
બોપલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને સગીરની અટકાયત કરી હતી
બોપલમાં રહેતા અને બિલ્ડર મિલાપ શાહનો સગીર પુત્ર તા.14 સપ્ટેમ્બરે રાત્રે બર્થ ડે પાર્ટીમાં જવાનું હોવાનું કહીને મર્સિડીઝ ગાડી લઇને ઘરેથી નિકળ્યો હતો. રાતના 11.30 વાગ્યાની આસપાસ સગીર પૂરઝડપે કાર હંકારીને સોબો સેન્ટર પાસેથી પસાર થતો હતો ત્યારે રોડ ક્રોસ કરી રહેલા સિક્યુરિટી ગાર્ડ ગોવિંદસિંહને સગીરે અડફેટે લેતા તેઓ પાંચ ફૂટ ઉંચે ઉછળીને રસ્તા પર પટકાયા હતા. જેમાં ગોવિંદસિંહને માથા, શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો ભેગા થઇ જતા ગોવિંદસિંહને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જો કે, ત્યાં તેઓનું મોત નિપજ્યુ હતુ. બોપલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને સગીરની અટકાયત કરી હતી.