અમદાવાદ દેશનું ત્રીજું સૌથી પ્રદૂષિત શહેર બન્યું, જાણો કયા વિસ્તારની હવા સૌથી ખરાબ
- રામદેવનગર, સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં સરેરાશ 150-200 સુધી AQI નોંધાયું
- ખાસ કરીને પશ્ચિમ અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવ્યો
- હવામાં પદૂષણનું સ્તર ભયાનક સ્તરે વધી ગયું હતું
અમદાવાદ દેશનું ત્રીજું સૌથી પ્રદૂષિત શહેર બન્યુ છે. જેમાં WHOની ગાઇડલાઇન કરતાં શહેરની હવા પાંચ ગણી વધુ પ્રદૂષિત છે. તેમાં સવારે 9 વાગ્યે AQI 55 હતો તે રાત્રે 9 વાગ્યે ત્રણ ગણો વધીને 163 ઉપર આવી ગયો છે. તેમજ ગ્યાસપુર વિસ્તારમાં 326 AQI સાથે સૌથી ખરાબ હવા નોંધાઈ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આજથી વરસાદી માહોલ જામશે, જાણો કયા થશે મેઘમહેર
ખાસ કરીને પશ્ચિમ અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવ્યો
બુધવારે સાંજથી અચાનક જ અમદાવાદની અને ખાસ કરીને પશ્ચિમ અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને હવામાં પદૂષણનું સ્તર ભયાનક સ્તરે વધી ગયું હતું. એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) વેબસાઇટ પ્રમાણે સવારે 9 કલાકે અમદાવાદમાં હવાની ક્વોલિટી 55 હતી તે સાંજે 6 વાગતા સુધીમાં AQI વધીને 126 અને રાત્રીના 9 વાગતા સુધીમાં હવાનું સ્તર વધુ ખરાબ થઇને 163 થઇ ગયું હતું. આ હિસાબે બુધવારે સાંજે અમદાવાદ દેશનું ત્રીજું સૌથી પ્રદુષિત શહેર બન્યું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ગાઈડલાઈન કરતા શહેરની હવા પાંચ ગણી વધુ પ્રદૂષિત જોવા મળી હતી. આ અંગે AMCના ફાયર વિભાગે એક યાદીમાં કહ્યું હતું કે, સરખેજ સાબર હોટલ પાસે, YMCA ક્લબ પાછળ અને સનાથલ બ્રિજ નીચે કચરો સળગાવવામાં આવ્યો હતો તેના કારણે ધુમાડો થયો અને તે હવામાં ભળતા આ વિસ્તારમાં પ્રદૂષણ વધ્યું હતું.
રામદેવનગર, સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં સરેરાશ 150-200 સુધી AQI નોંધાયું
અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં હવાના પ્રદુષણનું સ્તર જોઈએ તો ગ્યાસપુર વિસ્તારમાં 326 AQI સાથે સૌથી ખરાબ હવા નોંધાઈ છે. તેવી જ રીતે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ પાસે 220, સોની ચાલી વિસ્તારમાં હવાની ક્વોલિટી 210 અને બોડકદેવ, રામદેવનગર, સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં સરેરાશ 150-200 સુધી AQI નોંધાયું હતું.