અમદાવાદ: મોટી કંપનીઓના નામના વોટ્સએપ-ગ્રૂપમાં જોડાતા પહેલા સાવધાન
- પોલીસે છેલ્લા એક વર્ષમાં 100 જેટલા કૌભાંડીઓને જેલ હવાલે કર્યા
- આરોપીઓ પોતાને મોર્ગન સ્ટેનલીના એનાલિસ્ટ તરીકે ઓળખાવે છે
- ગુનેગારો થર્ડ પાર્ટીઓ પાસેથી લોકોના ડેટા ખરીદી લે છે
અમદાવાદમાં મોટી કંપનીઓના નામનું વોટ્સએપ-ગ્રૂપમાં જોડાતા પહેલા સાવધાન રહેજો. મોટી કંપનીઓના નામનું વોટ્સએપ-ગ્રૂપ બનાવી રોકાણની-ટિપ્સ આપી લૂંટવાનો ગોરખ ધંધો ચાલી રહ્યો છે. પાકિસ્તાનના નંબરથી યૂઝરને જાણ બહાર જ એડ કરી દેવાય છે. તેમજ 100માંથી 95 સભ્યો ફ્રોડ ટોળકીના જ હોય છે, 5ને ભોગ બનાવીને ગ્રૂપ બંધ કરી દે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, આ શહેરોમાં યલો એલર્ટ જાહેર
છેલ્લા એક વર્ષમાં 100 જેટલા કૌભાંડીઓને જેલ હવાલે કર્યા
મોર્ગન સ્ટેનલી જેવી ઇન્વેસ્ટમેન્ટ બેંકર અને નાણાકીય સલાહ આપતી વિશ્વની અગ્રણી કંપનીના નામે ફ્રોડબાજોએ ગુજરાતીઓને છેતરવાનો નવો ધંધો શરૂ કર્યો છે. મોર્ગન સ્ટેનલી ગ્રૂપ તેમજ આવી ઘણી બધી કંપનીઓના એનાલિસ્ટના નામે સોશિયલ મીડિયામાં બિટકોઈન ટિપ્સનો ગોરખધંધો ફૂલ્યો ફાલ્યો છે. ઠગ ટોળકીઓ સ્ટોક એડવાઈઝરનો સ્વાંગ રચીને તગડી રકમ વસૂલી રાતોરાત પલાયન થઈ જાય છે, આ પ્રકારના રેકેટમાં દિલ્હી પોલીસે કાર્યવાહી કરીને છેલ્લા એક વર્ષમાં 100 જેટલા કૌભાંડીઓને જેલ હવાલે કર્યા છે.
પોતાને મોર્ગન સ્ટેનલીના એનાલિસ્ટ તરીકે ઓળખાવે છે
અમદાવાદ નજીકની એક વ્યક્તિને આ જ પ્રકારના ગ્રૂપમાં એડ કરવામાં આવ્યા હતા, જે નંબરથી એડ કરાયા તે પાકિસ્તાનનો મોબાઈલ નંબર હતો. બિટકોઈનની ટિપ્સના આ ગ્રૂપમાં ટોળકી પોતાને મોર્ગન સ્ટેનલીના એનાલિસ્ટ તરીકે ઓળખાવે છે, બીટીસી સિનિયર વીઆઈપી ગ્રૂપ 11-1, બીટીસી સિનિયર વીઆઈપી ગ્રૂપ 11-2, ટ્રેડિંગ ટીમ -2, બીટીસી ટ્રેડિંગ ગ્રૂપ-2 તદુપરાંત 1 અને 2 નામના અલગ અલગ ગ્રૂપ મારફત વ્હોટ્સ એપથી લોકોને બારોબાર જોડવામાં આવે છે.
થર્ડ પાર્ટીઓ પાસેથી એવા જ લોકોના ડેટા ખરીદી લે છે
ફ્રોડ ટોળકી વિવિધ સર્ચ એન્જિન અથવા તો થર્ડ પાર્ટીઓ પાસેથી એવા જ લોકોના ડેટા ખરીદી લે છે, જેઓ શેરબજાર અથવા તો ઇન્વેસ્ટમેન્ટ સંબંધિત ન્યૂઝ પોર્ટલ, ઇન્વેસ્ટમેન્ટ વેબસાઇટ અથવા તો ઇન્વેસ્ટમેન્ટ શબ્દો ગૂગલમાં સર્ચ કરે છે. જેવી રીતે ગુગલમાં કોઇ પ્રોડક્ટ સર્ચ કરતાં તમને તે સંબંધીત પ્રોડક્ટની એડ ઓટોમેટિક ફ્લેશ થાય છે તેવી જ રીતે ઇન્વેસ્ટમેન્ટ વધુ માત્રામાં સર્ચ કરનારાઓના ડેટાઓનું એલ્ગોરિધમ બને છે. આવા જ ડેટાઓ ફ્રોડ ટોળકી પૈસા આપી ખરીદી છે અને ત્યાર બાદ પૈસા પડાવાય છે.