અમદાવાદઃ 40 જેટલાં પાકિસ્તાની શરણાર્થીઓને ભારતની નાગરિકતા અપાઈ, એક દિવ્યાંગ બાળકી હર્ષ સંઘવીને ભેટી પડી
અમદાવાદમાં 40 જેટલા પાકિસ્તાની શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપવામાં આવી છે. શરણાર્થીઓને નાગરિકતા આપવા માટે અમદાવાદની કલેક્ટર કચેરી ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા.
હેલ્પિંગ હેન્ડ ટ્રસ્ટના મદદથી અમદાવાદમાં 10થી 22 વર્ષ જેટલા સમયથી લોંગ ટર્મ વિઝા(એલટીવી) પર રહેતા 40 પાકિસ્તાની સિંધી અને હિન્દુ નાગરિકોને ભારતની નાગરિકત્વ આપવામાં આવી છે. અત્યાર સુધી આ ટ્રસ્ટની મદદથી અમદાવાદમાં વસતા પાકિસ્તાની મૂળના સિંધી અને હિન્દુ 1032 જેટલા લોકોને ભારતીય નાગરિકત્વ આપવવામાં આવ્યું છે.
मुस्कुराइए, अब आप भारत के नागरिक है???? pic.twitter.com/azyEnezSVA
— Harsh Sanghavi (@sanghaviharsh) August 22, 2022
40 લોકોને મળી ભારતની નાગરિકતા
પાકિસ્તાનથી આવી અને અમદાવાદમાં રહેતા શરણાર્થી પરિવારોને કલેક્ટર કચેરી ખાતે નાગરિકતા સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરાયું હતું. ભારતની નાગરિકતાનું સર્ટિફિકેટ મળતા લોકોમાં ખુશી જોવા મળી હતી.
એક દિવ્યાંગ બાળકી હર્ષ સંઘવીને ભેટી પડી
શરણાર્થીઓને નાગરિકતા આપવાના કાર્યક્રમમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. એક દિવ્યાંગ બાળકી રૂહીને ભારતની નાગરિકતાનું સર્ટિફિકેટ મળતાં જ તેની ખુશી જોવા લાયક હતી. આ બાળકી સર્ટિફિકેટ લીધા બાદ સીધી હર્ષ સંઘવીને ભેટી પડી હતી. રૂહીને અને તેના માતા-પિતાને ભારતની નાગરિકતા પ્રાપ્ત થઈ છે.
શું બોલ્યા ગૃહ રાજ્યમંત્રી
40 જેટલા લોકોને ભારતની નાગરિકતા આપ્યા બાદ હર્ષ સંઘવીએ કહ્યુ કે, દેશને નવી ઉંચાઈ પર લઈ જવાના સપના જોવાયા છે. જેને નાગરિકતા મળી તે વર્ષોથી અમદાવાદમાં રહી રહ્યાં હતા. આજે 40 લોકોને નાગરિકતા મળી છે. આ તમામ નાગરિકોને મેં અભિનંદન આપ્યા છે. તેમણે કહ્યું કે આગામી સમયમાં વધુ લોકોને નાગરિકતા મળે તે માટે આદેશ આપવામાં આવ્યા છે.
સેતુની કામગીરી કરવામાં આવશે
આ માહિતી આપતા હેલ્પિંગ હેન્ડ ટ્રસ્ટના અધ્યક્ષા ડિમ્પલ વરિદાનીએ જણાવ્યું કે, પાકિસ્તાનમાં રહેતા સિંધી અને હિન્દુ નાગરિકો મોટી સંખ્યામાં અમદાવાદ સહિત દેશના અન્ય શહેરોમાં વિસ્થાપિત થયા છે. ત્યારે ટ્રસ્ટ દ્વારા આ નાગરિકોને ભારતનું નાગરિકત્વ મળી રહે તે માટે સિટીઝન ફોર્મ ભરવાની સાથે કલેક્ટર ઓફિસ અને નાગરિકો વચ્ચે સેતુની કામગીરી કરવામાં આવે છે.