અમદાવાદગુજરાત

અમદાવાદ: શહેરમાં ફરી અસામાજિક તત્વો બન્યા બેફામ, હાથમાં છરા સાથે 135ની સ્પીડે કાર ચલાવનારનો વીડિયો થયો વાયરલ

Text To Speech
  • રાણિપ વિસ્તારમાં હાથમાં છરો લઈને 135થી પણ વધુ સ્પીડે કાર ચલાવી.
  • રાણીપ પોલીસે નબીરા રોહિત ઠાકોર સહિત ચાર જણાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી.

અમદાવાદ: શહેરના ઈસ્કોન બ્રિજ પર 9 લોકોને જેગુઆર કારથી કચડી નાંખીને હાહાકાર મચાવી નાંખનાર તથ્ય પટેલના કેસની હજુ તો શાહી સુકાઈ નથી તો બીજી તરફ આવા જ એક નબીરાએ રાણિપ વિસ્તારમાં હાથમાં છરો લઈને 135થી પણ વધુ સ્પીડે કાર ચલાવીને લોકોના જીવ જોખમમાં મુક્યા હતાં.

પોલીસને જાણ થતાં તાત્કાલિક કરી કાર્યવાહી:

પોલીસનો જાણે ડર જ ના રહ્યો હોય તેમ આ નબીરાએ કાર તો સ્પીડમાં ચલાવી જ પરંતુ તેનો વીડિયો પણ બનાવીને સોશિયલ મીડિયામાં ફરતો કરી દીધો હતો. આ અંગેની જાણ શહેર પોલીસ કમિશ્નર જી.એસ.મલિકને થતાં તેમણે તાત્કાલિક રાણીપ પોલીસને કાર્યવાહી કરવા હૂકમ કર્યો હતો. જેથી રાણીપ પોલીસે નબીરા રોહિત ઠાકોર સહિત ચાર જણાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અગાઉ પણ રોહિત ઠાકોર કરી ચૂૂક્યો છે ગુનો:

ફેબ્રુઆરી મહિનામાં નિર્ણય નગર વિસ્તારમાં રસ્તા પર પાર્ક કરેલા 35થી 40 વાહનોની તોડફોડ કરીને આખા વિસ્તારમાં હાહાકાર મચાવ્યો હતો. આઠથી 10 ટુ વ્હિલરમાં આવેલા 20 અસામાજિક તત્વોએ તલવારો, લાકડીઓ અને હોકીઓ દ્વારા આવતા જતા નિર્દોષ નાગરિકોને પણ મારમારીને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું હતું. આ અંગેની પોલીસ ફરિયાદ પણ વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેના કારણે પોલીસે રોહિત ઠાકોર સહિત આઠ જણાની ધરપકડ કરી હતી. તેમ છતાં રોહિત ઠાકોરને પોલીસનો જાણે ડર જ ના હોય તેમ ફરીએક વાર તથ્યની જેમ ફૂલ સ્પીડે જાહેર રોડ પર કાર ચલાવીને તેની સ્પીડ પણ બતાવતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. જેથી રાણીપ પોલીસે રોહિત ઠાકોર સહિત ચાર જણાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: કોલેજમાં ગુલ્લી મારનાર તથ્ય પટેલને હવે અભ્યાસ યાદ આવ્યો, ગ્રામ્ય કોર્ટમાં માંગણીઓનું મૂક્યુ લિસ્ટ

Back to top button