અમદાવાદ: નકલીની શંકાના આધારે અમૂલ “શદ્ધ” લખેલા ઘીના ડબ્બા સીઝ કરાયા


- કિરાણા સ્ટોર્સ ખાતે તપાસ કરતા અમૂલ શધ્ધ લખેલા ઘીના ડબ્બા જોવા મળ્યા
- સાચી હકિકત લેબોરેટરીનો રીપોર્ટ આવ્યા પછી જાણવા મળી શકશે
- ઘીના સાત ડબ્બામાંથી ઘીના સેમ્પલ લઈ ઘીનો જથ્થો સીઝ કરાયો
અમદાવાદમાં નકલી ઘી વેચાતુ હોવાની શંકાના આધારે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગની ટીમે જશોદાનગર વિસ્તારમાં આવેલા ચારભુજા કિરાણા સ્ટોર્સ ખાતે તપાસ કરતા અમૂલ શધ્ધ લખેલા ઘીના ડબ્બા જોવા મળ્યા હતા.
ઘીના સાત ડબ્બામાંથી ઘીના સેમ્પલ લઈ ઘીનો જથ્થો સીઝ કરાયો
દુકાનમાં રાખવામાં આવેલા 15 કિલોગ્રામના ઘીના સાત ડબ્બામાંથી ઘીના સેમ્પલ લઈ ઘીનો જથ્થો સીઝ કરાયા બાદ દુકાનદારની પુછપરછમાં તેણે આ ઘીના ડબ્બા ખોખરા વિસ્તારમાં આવેલા હાર્દિક ટ્રેડર્સ ખાતેથી મેળવ્યા હોવાનુ ખુલતા ફુડ વિભાગની ટીમ ખોખરામા આવેલી દુકાન તથા અમરાઈવાડીમાં આવેલા તેના ગોડાઉન ઉપર પહોંચતા માલિક બંને એકમને તાળા મારી ફરાર થઈ ગયો હતો. દરમિયાન ફુડ વિભાગ દ્વારા દુકાન અને ગોડાઉન બહાર નોટિસ લગાવી બંને એકમ સીલ કર્યા હતા.
સાચી હકિકત લેબોરેટરીનો રીપોર્ટ આવ્યા પછી જાણવા મળી શકશે
શહેરના રામોલ-હાથીજણ વોર્ડમાં આવેલા જશોદાનગર વિસ્તારમાં આવેલા ચારભુજા કિરાણા સ્ટોર્સ ખાતે મ્યુનિસિપલ ફુડ વિભાગની ટીમ પહોંચી હતી. ફુડ વિભાગના અધિકારીઓ દ્વારા દુકાનમાં રાખવામા આવેલા અમૂલ ઘીના ડબ્બાની તપાસ કરવામા આવતા તેના ઉપર અમૂલ શુધ્ધના બદલે શધ્ધ લખેલુ જોવા મળતા ફુડ સેફટીવાન દ્વારા ઘીના સેમ્પલની પ્રાથમિક પરિક્ષણ કરવામા આવતા તેમાં વનસ્પતિ ઘીની ભેળસેળ હોવાનુ સામે આવ્યુ નહતુ. ઘીમાં અન્ય કોઈપ્રકારની ભેળસેળ કરવામા આવી છે કે કેમ? તે અંગે લેબોરેટરીનો રીપોર્ટ આવ્યા પછી જાણવા મળી શકશે.
આ પણ વાંચો: ગુજરાત: અમરેલી જિલ્લામાં ભાજપના 3 બળવાખોર હોદ્દેદારોને કરાયા સસ્પેન્ડ