અમદાવાદઃ રથયાત્રા પહેલા AMC એક્શન મૂડમાં; રૂટ પરની મોટાભાગની જર્જરિત ઇમારતોનું ડિમોલેશન
અમદાવાદ 27 જૂન 2024 : દેશની બીજા નંબરની અને ગુજરાત રાજ્યની પ્રથમ નંબરની સૌથી મોટી સત્તત 147 માં વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા અમદાવાદમાં યોજાવા જઈ રહી છે. રથયાત્રાને દિવસે હજારોની સંખ્યામાં લોકો ભગવાન જગન્નાથનાં દર્શને આવતા હોય છે. અમદાવાદ શહેરનો સમગ્ર રથયાત્રા રૂટ પર ઠેર ઠેર ભક્તો મોટી સંખ્યામાં ઉમટતા હોય છે. આ સાથે રથયાત્રા પહેલા કોઈ અનિચ્છનીય બનાવ ન બને જેને લઈને સતત પોલીસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે સાથે ગયા વર્ષે દરિયાપુર વિસ્તારમાં એક જર્જરીત ઇમારતની બાલ્કની પડી ગઈ હતી જ્યાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉભા હતા. સદનસીબે કોઈ જાનહાની ન થઈ હતી અને જાન માલનો બચાવ થયો હતો. જોકે એ બિલ્ડીંગને તંત્ર દ્વારા અગાઉ તોડી પાડવા માટે નોટિસ અપાઈ હતી પરંતુ નોટિસનું પાલન ન થતા આ ઘટના બનવા પામી હતી.
AMC કોઈપણ પ્રકારનું જોખમ લેવા તૈયાર નથી
ગયા વર્ષની દરિયાપુરની પોળ વિસ્તારમાં બાલ્કની ધરાશાઈ થયાની ઘટના બાદ આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈપણ પ્રકારનું જોખમ લેવા ન માંગતું હોય જેના કારણે રથયાત્રાના રૂપ પર આવતી તમામ જર્જરીત ઇમારતોને અગાઉ ડિમોલેશન અથવા તોડી પાડવા માટે નોટિસ અપાઈ ગઈ છે. નોટિસ અપાયેલી અમુક મિલકતોમાં કોઈ યોગ્ય જવાબ ન મતા તેમજ રથયાત્રામાં ગણતરીના દિવસો બાકી હોય જેની ગંભીરતાને ધ્યાનમાં લઇ સતર્કતા રાખી મ્યુનિસિપલ કોર્પોરેશને ઇમારતો તોડી પાડવાનું કાર્ય હાથ ધર્યું છે. અમદાવાદ શહેરમાં રથયાત્રાના રૂટમાં સૌથી વધુ રૂટ પોળ વિસ્તારમાંથી પસાર થાય છે, જેમાં કાલુપુર રેલવે સ્ટેશન નજીક આવેલ બિનવારસી જર્જરિત ઇમારત તોડી પાડવામાં આવી છે. જેથી આ વર્ષે આવી કોઈ ઘટના ન બને તે માટે અગાઉથી કામગીરી હાથ ધરી છે.
રૂટ પર 1500 જેટલા CCTV લગાવાશે
અત્રે મહત્વનું છે કે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાલમાં રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અથવા અસામાજિક તત્વો પર નજર રાખવા માટે રથયાત્રાના તમામ રૂટ પરની દુકાનો પર સંપૂર્ણ પણે અંદર અને બહારનો વ્યુ કેપ્ચર થાય એ રીતે 1500 જેટલા CCTV લગાવવાનું લક્ષ્ય રખાયો છે જેમાં 1278 જેટલા CCTV લગાવાઇ ચૂક્યા છે.
આ પણ વાંચો : AMC કમિશ્નરનો આદેશઃ દબાણો હટાવો અને BU તથા ફાયર NOC વિનાની મિલકત સીલ કરો