અમદાવાદ: AMC પીવાલાયક પાણી પૂરું પાડવામાં નિષ્ફળ, 1272 સેમ્પલ ‘અનફીટ’
- રોજ સરેરાશ 100થી 150 પાણીના સેમ્પલ તપાસ માટે લેવામાં આવે છે
- કુલ 63042 સેમ્પલ તપાસ માટે લેવામાં આવ્યા હતા
- 5764 સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો હતો
અમદાવાદના 48 વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરરોજ 1647 મિલીયન લિટર પીવાનુ શુદ્ધ પાણી આપવામાં આવતુ હોવાનો તંત્ર તરફથી દાવો કરવામાં આવે છે. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ અલગ અલગ વોર્ડમાંથી શહેરીજનો તરફથી પ્રદૂષિત પાણી આવતુ હોવા અંગે ફરિયાદ પછી પાણીના સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવે છે.
સાંજના સમયે અડધો કલાક આપવામા આવતો પાણી પુરવઠો બંધ
લેબોરેટરી તપાસ પછી વર્ષ-2024માં બહેરામપુરા વોર્ડમાં 148, દાણીલીમડા વોર્ડમાં 105 જ્યારે ઈન્દ્રપુરી વોર્ડમાં 103 પાણીના સેમ્પલ લેબોરેટરી તપાસ પછી પીવાલાયક નહીં હોવાથી અનફીટ જાહેર કરવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં બે પદ્ધતિથી પીવાનું પાણી શહેરીજનોને પુરુ પાડવામાં આવે છે. સરફેસ અને બોર આધારીત બે પદ્ધતિથી પુરા પાડવામા આવતા પાણી સપ્લાયમાં પણ શહેરના કોટ વિસ્તારમાં તો એક દાયકાથી પણ વધુના સમયથી સાંજના સમયે અડધો કલાક આપવામા આવતો પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે.
1647 મિલીયન લિટર પાણી તમામ 48 વોર્ડમાં પુરુ પાડવામાં આવે છે
નદીપારના ત્રણ ઝોનમાં સવાર અને સાંજ એમ બે સમય મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી આપવામાં આવે છે. મ્યુનિસિપલ તંત્રના દાવા મુજબ, અમદાવાદને પાણી પુરુ પાડવા માટે રાસ્કા અને જાસપુર સહીતના અન્ય સ્તોત્રમાંથી રોજ 1683 મિલીયન લિટર રો વોટર મેળવી તેને ટ્રીટ કર્યા પછી કુલ 1647 મિલીયન લિટર પાણી તમામ 48 વોર્ડમાં પુરુ પાડવામાં આવે છે.
5764 સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો હતો
આમ છતાં મધ્યઝોન શાહીબાગ, અસારવા અને જમાલપુર વોર્ડમાં પાણી અને ડ્રેનેજની જુની લાઈન બદલવા વોર્ડ દીઠ ટેન્ડર કરી બાકીના વોર્ડ માટે કોન્ટ્રાકટર કામ કરવા તૈયાર નથી એવા બહાના આગળ કરીને વર્ષો જુની લાઈનો બદલવામા આવતી નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ડોકટર ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, ‘અમદાવાદમાંથી રોજ સરેરાશ 100થી 150 પાણીના સેમ્પલ તપાસ માટે લેવામાં આવે છે. વર્ષ 2024 દરમિયાન પાણીના કુલ 63042 સેમ્પલ તપાસ માટે લેવામાં આવ્યા હતા. તપાસના અંતે 1272 સેમ્પલ અનફીટ જાહેર કરાયા હતા. કલોરીન ટેસ્ટ માટે વર્ષ દરમિયાન કુલ 404031 સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ પૈકી 5764 સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો હતો.