અમદાવાદ શહેરમાં સાત પ્લોટની હરાજી હાલ મોકૂફ રાખવામાં આવી છે. તેથી હવે માર્ચના છેલ્લા સપ્તાહમાં પ્લોટની હરાજી થશે. નવી જંત્રીથી પ્લોટની અપસેટ વેલ્યૂ વધવાની આશાએ હરાજી મોકૂફ રખાયાની ચર્ચા છે. તથા U-20 સમિટ, બજેટમાં AMC અધિકારીઓની વ્યસ્તતાથી હરાજી લંબાવાઈ છે તેમ જણાવવામાં આવ્યું છે. તથા 7 પ્લોટ હરાજીથી વેચવાનો નિર્ણય લગભગ એક મહિના માટે મુલતવી રાખ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદની CBI કોર્ટે CGST આસિસ્ટન્ટ કમિશનર મહેશ ચૌધરીને વધુ બે દિવસના રિમાન્ડ આપ્યા
7 પ્લોટની હરાજી એક મહિનાથી વધુ સમય માટે લંબાવવામાં આવી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોના 7 પ્લોટ હરાજીથી વેચવાનો નિર્ણય લગભગ એક મહિના માટે મુલતવી રાખ્યો છે અને હવે તા. 21 માર્ચથી તા. 24 માર્ચ દરમિયાન 7 પ્લોટની હરાજી કરવામાં આવશે. AMC દ્વારા U20 સમિટ અને બજેટના કારણે અધિકારીઓ તેમાં વ્યસ્ત હોવાથી 7 પ્લોટની હરાજી એક મહિનાથી વધુ સમય માટે લંબાવવામાં આવી હોવાનું જણાવાયું છે.
તા. 14 ફેબ્રુઆરીના રોજ 7 પ્લોટ હરાજીથી વેચવાનું નક્કી કરાયું હતું
AMC દ્વારા નબળી આર્થિક સ્થિતિને હળવી કરવા તા. 14 ફેબ્રુઆરીના રોજ 7 પ્લોટ હરાજીથી વેચવાનું નક્કી કરાયું હતું. જો કે રાજ્ય સરકાર દ્વારા નવી જંત્રીના દર જાહેર કરાયા હતા અને ત્યારપછી તેનો અમલ એપ્રિલ મહિના સુધી મોકૂફ રખાયો છે. નવી જંત્રીનો અમલ કરવામાં આવે તો AMCના પ્લોટની અપસેટ વેલ્યૂ પણ વધી જવાની શક્યતા હોવાને પગલે AMC પ્લોટોની રકમમાં પણ વધારો થવાની શક્યતાને ધ્યાનમાં લઈને મ્યુનિ. સત્તાવાળાઓ દ્વારા 7 પ્લોટની હરાજી મુલતવી રખાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. AMCના પ્લોટ હરાજીથી વેચવાને પરિણામે મ્યુનિ.ને લગભગ રૂ. 500 કરોડની આવક થવાનો અંદાજ નક્કી કરાયો છે. ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પહેલાં મ્યુનિ. દ્વારા શહેરમાં 17 પ્લોટ હરાજીથી વેચવાનું નક્કી કરાયું હતું અને તે માટે ટેન્ડર જારી કરાયા હતા અને 16 પ્લોટ પૈકી બોડકદેવના એક પ્લોટનો રૂ. 151 કરોડમાં સોદો પણ નક્કી થઈ ગયો હતો.