અમદાવાદ : જાહેર રસ્તા પર દબાણ દૂર કરવા મુદ્દે AMC કમિશ્નરે અધિકારીઓ વિરુદ્ધ ભર્યા કડક પગલાં


અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણાં સમયથી રસ્તા વચ્ચે દબાણ અને તેના કારણે ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી રહી છે. આ વચ્ચે AMC કમિશ્નરે શહેરના તમામ રસ્તા ઉપરથી લારીઓના દબાણ દુર કરવા એસ્ટેટ વિભાગને કડક સુચના આપી છે. નોંધનીય છે AMC કમિશનર એમ.થેન્નારસને શાહીબાગ વોર્ડમાં આવેલા ઘોડાકેમ્પ વિસ્તારમાં રાઉન્ડ માટે પહોંચ્યા ત્યારે રસ્તા ઉપર આવેલી ફૂટપાથ ઉપર ખાનગી બિલ્ડર દ્વારા નાંખવામાં આવેલા બાંધકામને લગતો કાટમાળ પડેલો જોતા એસ્ટેટ વિભાગના શાહીબાગના વોર્ડ ઈન્સપેકટરને શો-કોઝ નોટિસ આપી દીધી છે.
આ પણ વાંચો : મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાઃ જયસુખ પટેલના 7 દિવસના રિમાન્ડ મંજૂર
આ વિસ્તારમાં લાંબા સમયથી વિવિધ ફરિયાદો સામે આવી આવી રહી હતી. તેની સામે કમિશ્નરે જાતે જ ફિલ્ડ પર ઉતરીને નિરિક્ષણ કરતાં અધિકારીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો છે. આ ઉપરાંત કમિશ્નરે વિસ્તારમાં આવેલા એક પબ્લિક ટોઈલેટમાં બિન આરોગ્યપ્રદ સ્થિતિ જોતા કમિશનરે એડીશનલ સીટી ઈજનેર મધ્યઝોનને વોર્ડના આસીસ્ટન્ટ ઈજનેરને પણ ફરજમાં બેદરકારી દાખવવા બદલ શો-કોઝ નોટિસ આપી એક ઈન્ક્રીમેન્ટ રોકવા સુધીની સુચના આપી છે.

શહેરના તમામ ઝોનના મુખ્ય રસ્તાઓ ઉપર વારંવાર સુચના આપવામાં આવ્યા બાદ પણ લારીઓના દબાણ જોવા મળતા હોવાથી કમિશ્નરે તમામ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરોને તમામ રસ્તા ઉપરથી લારીઓના દબાણ દુર કરવા કડક ભાષામાં સુચના આપી છે. ઉપરાંત ગેરકાયદેસર બાંધકામ તોડવા મામલે એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા લાપરવાહી દાખવવામા આવતી હોવાનું ધ્યાન ઉપર આવતા પોલીસ બંદોબસ્ત મેળવી ગેરકાયદે બાંધકામ તોડી પાડવા આદેશ કર્યો છે. પશ્ચિમ ઝોનના એક વોર્ડમાં ફૂટપાથને લઈ ઝોનના એડીશનલ સીટી ઈજનેરને આ વોર્ડમાં ફરજ બજાવતા આસીસ્ટન્ટ સીટી ઈજનેરને શો-કોઝ નોટિસ આપી એક ઈન્ક્રીમેન્ટ રોકવા સુચના આપી હતી.