અમદાવાદ: AMC કમિશનરે શહેરમાં દબાણો મામલે એસ્ટેટ વિભાગ પર લાલ આંખ કરી
- ફરી ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરવા CNCD વિભાગને સૂચના છે
- તમામ વિસ્તારોમાં ફરીથી ઢોર પકડવાની સઘન ઝુંબેશ હાથ ધરવા સૂચના આપી
- ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર નહીં કરાતા હોવા મામલે એસ્ટેટ-ટીડીઓ વિભાગનો ઉધડો
અમદાવાદમાં AMC કમિશનરે શહેરમાં દબાણો મામલે એસ્ટેટ વિભાગ પર લાલ આંખ કરી છે. જેમાં વર્ષોથી સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસીનો અમલ થતો જ નથી. ફરી ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરવા CNCD વિભાગને સૂચના છે. AMC કમિશનરે શહેરમાં સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ કરવા તાકીદ કરી હતી.
આ પણ વાંચો: ગુજરાત: RTO કચેરીમાં AI બેઝ કેમેરાથી ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે
ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર નહીં કરાતા હોવા મામલે એસ્ટેટ-ટીડીઓ વિભાગનો ઉધડો
અમદાવાદમાં ઠેર ઠેર થયેલા ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર નહીં કરાતા હોવા મામલે એસ્ટેટ- ટીડીઓ વિભાગના અધિકારીઓનો ઉધડો લઈને AMC કમિશનર એમ. થેન્નારસને દબાણો હટાવવા સઘન ઝુંબેશ હાથ ધરવા અને શહેરમાં સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ કરવા તાકીદ કરી હતી. AMC કમિશનરે રિવ્યૂ મીટિંગમાં સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અસરકારક અમલ કરવા માટે શું આયોજન કરી શકાય તેની વિગતો રજૂ કરવા એસ્ટેટ વિભાગને સૂચના આપી હતી. છેલ્લાં કેટલાંક સમયથી શહેરમાં કેટલીક જગ્યાએ રસ્તા પર ફરીથી રખડતા ઢોર જોવા મળી રહ્યા છે. આ બાબતને ગંભીર ગણીને શહેરના તમામ વિસ્તારોમાં ફરીથી ઢોર પકડવા માટેની સઘન ઝુંબેશ હાથ ધરવા CNCD વિભાગને સૂચના આપી હતી.
તમામ વિસ્તારોમાં ફરીથી ઢોર પકડવાની સઘન ઝુંબેશ હાથ ધરવા સૂચના આપી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં વેપાર-ધંધા કરતા પાથરણાવાળા, નાના વેપારીઓ, ફેરિયાઓને લીધે કોઈ સમસ્યા ન સર્જાય તે હેતુસર ઘણાં વર્ષોથી સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસી તૈયાર કરવામાં આવી છે. પરંતુ સ્થાનિક રાજકારણીઓ, સ્થાપિત હિત ધરાવતા તત્વો સહિત વિવિધ કારણોસર સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસીનો અમલ કરી શકાયો નથી. AMC દ્વારા સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસીનો અમલ નહીં કરવાને કારણે શહેરમાં ઠેર ઠેર ફેરિયા, પાથરણાવાળાઓ વેપાર-ધંધો કરતા હોવાથી શહેરમાં રોડસાઈડ પર મોટાપાયે દબાણો જોવા મળે છે અને તેના ટ્રાફિકની સસ્યા સર્જાય છે. આ બાબતને ધ્યાનમાં લઈને સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસીનો અમસરકારક અમલ કરવા માટે આયોજન કરવા એસ્ટેટ વિભાગને તાકીદ કરી છે. શહેરમાં વિવિધ સ્થળેથી લારી-ગલ્લા ઉપાડી લેવા પછી ગણતરીના દિવસોમાં જ ફરીથી તે જગ્યાએ જ દબાણો થઈ જાય છે. છેલ્લા કેટલાંક સમયથી ગોતા, નરોડા, ઠક્કરબાપાનગર, સૈજપુર, વેજલપુર, સરખેજ, નવા નિકોલ, વસ્ત્રાલ, વગેરે વિસ્તારોમાંથી રસ્તા પર ઢોર ફરી દેખાઈ રહ્યા હોવાની બાબતને ગંભીર ગણીને AMC કમિશનર થેન્નારસને તમામ વિસ્તારોમાં ફરીથી ઢોર પકડવાની સઘન ઝુંબેશ હાથ ધરવા સૂચના આપી છે.