
અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ આગામી દિવસોમાં હાઈટેન્ડ ચાર્ટર્ડ એરક્રાફ્ટ એક્ટિવિટીથી ભરપૂર રહેવાનું છે. એવિએશન ઈન્ડસ્ટ્રીના સૂત્રોએ જણાવ્યું છે કે અમદાવાદમાં આગામી દિવસોમાં આયોજિત ICC વર્લ્ડ કપની મેચના કારણે ઓક્ટોબર મહિનામાં એર ટ્રાફિક અહીં વધી શકે છે. આ મહિને નોન શેડ્યૂલ ચાર્ટર એરક્રાફ્ટથી અંદાજે 30 ટકા સુધી ટ્રાફિક રહેશે. એટલું જ નહીં આ મેચ દરમિયાન અન્ય ફ્લાઈટના ટાઈમિંગ પર કેવી અસર થશે એ પણ ચર્ચાનો વિષય બન્યો છે.
તેવામાં માહિતી મળી રહી છે કે ઓક્ટોબર મહિને જ 650 નોન શેડ્યૂલ ચાર્ટર એરક્રાફ્ટનું મૂવમેન્ટ થઈ શકે છે. ઓક્ટોબર મહિનાની વાત કરીએ તો આ વખતે વનડે વર્લ્ડકપ ભારતમાં રમાવવા જઈ રહ્યો છે. તેવામાં 2 હાઈવોલ્ટેજ મેચ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જેમાં 5 ઓક્ટોબરે ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ જ્યારે 14 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. આ બંને મેચ જોવા માટે બોલિવૂડ સેલિબ્રિટિઝ, પોલિટિશિયન, બિઝનેસ ટાયકૂન્સ પણ આવશે. ત્યારે આ બધા જ સેલિબ્રિટિ ગેસ્ટ પોતપોતાના પ્રાઈવેટ જેટથી જ મુસાફરી કરવાનું પસંદ કરી શકે છે.
તેવામાં હવે આની સીધી અસર એર ટ્રાફિક પર થશે અને વર્લ્ડ કપ મેચ હોવાથી 30 ટકા સુધી એરપોર્ટ પર ફ્લાઈટ્સની મૂવમેન્ટ વધી જવાની ધારણા છે. સુત્રોએ જણાવ્યું છે કે, અમે પહેલાથી જ BCCI તરફથી પહેલી જે ઓપનિંગ મેચ છે એને લઈને કેટલા ચાર્ટર પ્લેન આવશે ? કેવી રીતે અવર જવર થશે ? એની વિગતો મેળવવાનું શરૂ કરી દીધું છે. બોલિવૂડ સ્ટાર્સ, સ્પોર્ટ્સ સેલિબ્રિટીઓ, બિઝનેસ ટાયકૂન્સ, રાજકીય નેતાઓ અને મિનિસ્ટર્સ પણ ICC ક્રિકેટ વર્લ્ડકપ મેચોમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. જે પ્રાઈવેટ જેટ મુસાફરીની માંગને વધુ વેગ આપશે.

અમદાવાદનું એરપોર્ટ લગભગ 43 એરક્રાફ્ટ પાર્કિંગ સ્ટેન્ડ સાથે તેની મૂવમેન્ટમાં અપેક્ષિત વધારા માટે સારી રીતે તૈયાર છે. સૂત્રોએ જણાવ્યું કે 27 સપ્ટેમ્બર સુધીમાં ચાર્ટર એરક્રાફ્ટની મૂવમેન્ટ 500 સુધી પહોંચી ગઈ હતી. જે દરરોજની આશરે 17 ફ્લાઈટ્સ હતી. ઉલ્લેખનીય છે કે, એરપોર્ટે સપ્ટેમ્બરમાં એક જ દિવસમાં 35 જેટલા એરક્રાફ્ટ હેન્ડલ કર્યા હતા. એરપોર્ટના એક સૂત્રએ જણાવ્યું હતું કે, વિવિધ ક્વાર્ટરમાંથી એરક્રાફ્ટ સ્લોટ અને પ્રાપ્યતા માટે ક્વેરી આવી રહી છે અને સામાન્ય ઉડ્ડયન ટર્મિનલની ક્ષમતાનો શ્રેષ્ઠ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.