અમદાવાદ: પર્યાવરણને થતું નુકશાન અટકાવવા તથા AMCની તિજોરી પર નાણાકીય ભારણ ઘટાડવા બાબતે વહીવટી તંત્રને કોઈ રસ જ નથી: વિપક્ષ
28 ડિસેમ્બર 2024 અમદાવાદ; મ્યુનિસિપલ કોર્પોરેશન વિરોધ પક્ષના નેતા શેહઝાદખાન પઠાને જણાવ્યું હતું કે વડાપ્રધાનની સોલાર સીસ્ટમને પ્રાધાન્ય આપી પર્યાવરણને બચાવવા બાબતની સૂચનાનો અમલ કરવામાં મ્યુનિસિપલ કોર્પોરેશનને કોઇ રસ જ નથી, જેમાં આંકડાકીય માહિતી આપતા કહ્યું હતું કે સને ૨૦૨૩-૨૪નુ મ્યુ.કોર્પોની મુખ્ય કચેરીનું વીજ બીલ રૂા.૧.૦૯ કરોડ, તેમજ વિવિધ ઝોનલ કચેરીઓ, સબ ઝોનલ ઓફિસો, ૧૦ અર્બન હેલ્થ સેન્ટર તથા સ્ટ્રીટ લાઇટનું મળી કુલ વીજ બીલ ૩૮.૫૨ કરોડ થયું છે.
અર્બન હેલ્થ સેન્ટર, સ્ટ્રીટ લાઇટનું વીજબીલ 38.52 કરોડ
કોર્પોરેશન વિપક્ષ નેતાએ માહિતી આપતા જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની શહેરમાં મોટી સંખ્યામાં વિવિધ મિલકતો આવેલ છે જેમાં ઝોનલ ઓફિસ, સબ ઝોનલ ઓફિસ, હોસ્પિટલો અર્બન હેલ્થ સેન્ટર સીવીક સેન્ટરો જેવી અનેક ઓફિસો કાર્યરત છે. જેનું લાઈટ બીલ પાછળ ટોરેન્ટ પાવરને દર વર્ષે કરોડો રૂા.ની રકમ ચૂકવવામાં આવે છે દર વર્ષે બજેટમાં પણ મ્યુ.કોર્પોની વિવિધ કચેરીઓનું વીજ બીલ ઘટાડવાની વાતો પણ થાય છે. તે માટે નાણાંની જોગવાઈ પણ કરવામાં આવે છે પરંતુ તે માત્ર પોકળ વાયદા જ બની કાગળ પર જ રહેવા પામે છે. એપ્રીલ ૨૦૨૩થી માર્ચ ૨૦૨૪ સુધીનું મ્યુ.કોર્પોની મુખ્ય કચેરીનું વીજ બીલ ૧.૦૯ કરોડ તથા ઝોનલ કચેરીઓ, સબ ઝોનલ ઓફિસો ૧૦ અર્બન હેલ્થ સેન્ટર તથા સ્ટ્રીટ લાઇટ મળી તેનું કુલ વીજ બીલ રૂા.૩૮.૫૨ કરોડનું બનવા પામે છે. આમાં કોમ્યુનીટી હોલ, હોસ્પિટલો, પંપીગ સ્ટેશનો વિજળીનું દર વર્ષનું કુલ બીલ ૧૦૦ કરોડથી પણ વધું હોય તેની નવાઈ નહી વીજ બીલ ધટાડવા માટે મયુ.કોર્પોના લાઇટ ડીર્ષામાં એનર્જી ઓડીટ ડીર્ષા કાર્યરત છે. પરંતુ તંત્રના ઉચ્ચ અધિકારીઓ વીજ બીલ ધટાડવા બાબતની કોઇ ઇચ્છા શક્તિ જ ધરાવતાં નથી જેને કારણે મ્યુ. કોર્પોની તિજોરી પર નાણાંનું ભારણ દિન-પ્રતિદિન વધતું જાય છે. જેને કારણે સત્તાધારી ભાજપને એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જીસના નામે નવો ટેક્ષ નાખી પ્રજા સાથે દ્રોહ કરેલો છે અને પર્યાવરણને ગંભીર નુકશાન પણ પહોંચાડી રહ્યાં છે.
મિલકતો પર સોલાર પેનલ નાખી વીજ બીલ ઘટાડવા માંગ
વિપક્ષ નેતા ઉમેર્યું હતું કે એક તરફ ભાજપની કેન્દ્ર સરકાર ગ્લોબલ વોર્મિંગને કારણે પર્યાવરણને થતું નુકશાન અટકાવવા ગંભીર છે ત્યારે બીજી તરફ મ્યુ.કોર્પોનું તંત્ર વીજ બીલ ધટાડવા મામલે કોઈ કાર્યવાહી કરતું નથી, જે ખુબજ ગંભીર બાબત છે. જો મ્યુ.કોર્પોની તમામ મિલકતોમાં સોલાર પેનલ નાખી વીજળી મેળવવામાં આવે તો વીજ બીલમાં મોટી રાહત પણ મળી શકે, પર્યાવરણને થતું નુકશાન પણ રોકી શકાય અને એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જીસના નામે નવો ટેક્ષ નાખવાની જરૂર પણ ના પડે, જેથી મ્યુનિ.કોર્પોના આર્થિક તેમજ પ્રજાહીતમાં મ્યુ.કોર્પોની તમામ મિલકતો પર સોલાર પેનલ નાખી વીજ બીલ ઘટાડવા બાબતે તાકીદે કાર્યવાહી કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે.