ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: બોગસ દસ્તાવેજો કોર્ટમાં રજૂ કરી જામીન મેળવી આરોપી ફરાર

  • બોગસ જામીનદારને લગતી વિગતો સામે આવવાની શક્યતા
  • જામીનદાર ચાહરિયા રાઠવાએ કોર્ટમાં હાજર રહીને ચોંકાવનારો ખુલાસો કર્યો
  • જામીન લીધા બાદ આરોપી કોર્ટમાં મુદ્દત દરમિયાન હાજર ન રહ્યો

અમદાવાદમાં બોગસ દસ્તાવેજો કોર્ટમાં રજૂ કરી જામીન મેળવી આરોપી ફરાર થયો છે. જેમાં શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલી સીટી સિવિલ કોર્ટમાં એક આરોપીએ બોગસ દસ્તાવેજ કોર્ટમાં રજૂ કરીને જામીન મેળવ્યા હોવાનો ગુનો કારંજ પોલીસ મથકે નોંધવામાં આવ્યો છે.

જામીન લીધા બાદ આરોપી કોર્ટમાં મુદ્દત દરમિયાન હાજર ન રહ્યો

જામીન લીધા બાદ આરોપી કોર્ટમાં મુદ્દત દરમિયાન હાજર ન રહેતા જામીનદારને સમન્સ મોકલવામાં આવતા સમગ્ર બાબતનો પર્દાફાશ થયો હતો. જે અંગેની તપાસમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. ભદ્ર ખાતે આવેલી સીટી સિવિલ કોર્ટના રજીસ્ટ્રાર હાર્દિકભાઇ દેસાઇએ કાંરજ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે વટવા અલફસા પાર્કમાં રહેતા ફૈઝાન શેખને ગત ઓગસ્ટ 2022માં શરતી જામીન આપવામાં આવ્યા હતા. જેમાં તેણે જામીનદાર તરીકે ચાહરિયા રાઠવા (ઉજાડીયા ફળીયા, જિ. છોટા ઉદેપુર)ના દસ્તાવેજો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ, આરોપી ફૈઝાન મુદ્દતના દિવસે કોર્ટમાં હાજર ન થતા તેના વિરૂદ્ધ નોન બેલેબલ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. તેમજ જામીનદાર ચાહરિયા રાઠવાને નોટીસ મોકલવામાં આવી હતી.

જામીનદાર ચાહરિયા રાઠવાએ કોર્ટમાં હાજર રહીને ચોંકાવનારો ખુલાસો કર્યો

જેના આધારે જામીનદાર ચાહરિયા રાઠવાએ કોર્ટમાં હાજર રહીને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે તે ફૈઝાન શેખનો જામીન થયો નથી. તેના નામના દસ્તાવેજોનો ઉપયોગ કરીને ફૈઝાને જામીન લીધા છે. જે અંગે કોર્ટ દ્વારા છોટા ઉદેપુર જિલ્લામાં સલંગ્ન કચેરીમાં ખરાઇ પણ કરવામાં આવી હતી. આમ, ફૈઝાને ચાહરિયા રાઠવાના નામે ખોટા વ્યક્તિને જામીનદાર તરીકે રજૂ કરીને છેતરપિંડી આચરવામાં આવી હતી.

બોગસ જામીનદારને લગતી વિગતો સામે આવવાની શક્યતા

આ અંગે કારંજ પોલીસ સ્ટેશનના પીઆઇએ જણાવ્યું કે હાલ આરોપી ફૈઝાન શેખની જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરીને પુછપરછ કરવામાં આવશે. જેમાં સમગ્ર મામલે બોગસ જામીનદારને લગતી વિગતો સામે આવવાની શક્યતા છે.

આ પણ વાંચો: અમેરિકામાં 40 હજારથી વધુ ગુજરાતી ગેરકાયદેસર, જાણો કેટલાને આશ્રય મળશે

Back to top button