અમદાવાદઉત્તર ગુજરાતએજ્યુકેશનકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાત

અમદાવાદઃ ABVP ગુજરાતનું ઐતહાસિક અને સૌથી મોટું 56મું પ્રદેશ અધિવેશન યોજાશે; 50 વર્ષ પૂર્ણ થવા પર ભવ્ય આયોજન

2 જાન્યુઆરી 2025 અમદાવાદ; અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું 56મું પ્રદેશ અધિવેશન અમદાવાદ ખાતે તા. ૭-૮-૯ જાન્યુઆરીનાં રોજ યોજાવા જઈ રહ્યું છે. આ અધિવેશન નવનિર્માણ આંદોલનની થીમ પર આયોજન કરવામાં આવી રહ્યું છે. આ થીમ પર અધિવેશનના આયોજન પાછળનું મુખ્ય કારણ નવનિર્માણ આંદોલનનું મહત્વ તથા છાત્ર શક્તિ વિશે આજનો યુવાન પરિચિત થાય અને વિદ્યાર્થી જગતને નવો વેગ મળે તેવું છે. સમગ્ર ગુજરાત 500 જેટલા કોલેજ કેમ્પસમાંથી 1500 જેટલા કાર્યકર્તાઓ અને વિદ્યાર્થી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. આ સમગ્ર અધિવેશન બોડકદેવ ખાતે આવેલા એ.ઇ.એસ. ગ્રાઉન્ડ ખાતે યોજવા જઈ રહ્યું છે. પ્રદેશ અધિવેશન હેતુ એક નગરની રચના કરવામાં આવી રહી છે. જે નગરનું નામ આઝાદીના લડવૈયા ગુજરાતના પ્રથમ યુવા શહીદ વીર વિનોદ કિનારીવાલાનગરનાં નામથી રાખવામાં આવ્યું છે. વીર વિનોદ કિનારીવાલા અંગ્રેજો સામે લડતા લડતા ખૂબ જ નાની ઉંમરે તેઓ વીરગતિને પામ્યા હતા. તેમના બલિદાનને ધ્યાને રાખીને આ અધિવેશનને વીર વિનોદ કિનારીવાલા નગર તરીકે સંબોધવામાં આવશે.

આંદોલનના ચિત્રો, સેવા કાર્યોની માહિતીઓનો સંગ્રહ
અધિવેશનમાં આકર્ષણનું કેન્દ્ર એટલે પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. આ પ્રદર્શનની ઉદ્ઘાટન 6 જાન્યુઆરીનાં રોજ કરવામાં આવશે. જેના ઉદ્ઘાટન સમારોહના મુખ્ય અતિથિ તરીકે રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ ઉપસ્થિત રહેશે. આ પ્રદર્શનીમાં નવનિર્માણ આંદોલનના ચિત્રો, વિદ્યાર્થી પરિષદના વર્ષભરના આંદોલનના ચિત્રો, સેવા કાર્યો, પરિષદનાં આયામ, કાર્ય, ગતિવિધિના કાર્યક્રમો વગેરેની આકર્ષક અને ઉપયોગી માહિતિઓનો સંગ્રહ આ પ્રદર્શનમાં જોવા મળશે. જે સમાજના તમામ વર્ગોને નિહાળવા માટે નિમંત્રણ છે.

યુવા ઉદ્યોગપતિ ધનરાજ નથવાણી હાજર રહેશે
તારીખ 7 જાન્યુઆરી 2025ના રોજ 56માં પ્રદેશ અધિવેશનનું ઉદ્ઘાટન સત્ર રહેશે. જેમાં ઉદ્ઘાટક તરીકે રિલાયન્સ ગ્રુપના યુવા ઉદ્યોગપતિ ધનરાજ નથવાણી અતિથિ તરીકે લોકપ્રસિધ્ધ સાઈરામ દવે અને અ.ભા.વિ.પ ના રાષ્ટ્રીય મહામંત્રી વિરેન્દ્રસિંહ સોલંકી ઉપસ્થિત રહેશે. ઉદ્ઘાટન સત્ર બાદ અધિવેશનના મુખ્ય ઉદ્દેશ્ય રૂપ શિક્ષણ અને સમાજને લઈને વિવિધ ચર્ચા અને ચિંતન તમામ વિદ્યાર્થીઓ અને યુવાનો વચ્ચે મૂકવામાં આવશે. જેમાં શિક્ષણને લઈને થતી ત્રુટીઓ અને શિક્ષણને વધુ સરળ અને ઉત્તમ કરવા માટેના પ્રયત્નોને વેગ આપવા માટે પ્રસ્તાવો વિદ્યાર્થીઓ દ્વારા મૂકવામાં આવશે. સાથે જ સમાજમાં પડતી મુશ્કેલો તેમજ ભાવિ સમસ્યાઓને પહોંચી વળવા લોકજાગૃતિ માટેની પણ ચિંતા આ અધિવેશનમાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે. સાથે જ વિદ્યાર્થી પરિષદની સમગ્ર વર્ષભરની આગામી દિશા પણ આ અધિવેશનનાં માધ્યમથી નિર્ધારિત કરવામાં આવશે

શહીદ ચોક ખાતે એક વિશાળ જાહેર સભા યોજાશે
સમગ્ર ગુજરાતની છાત્ર શક્તિ જ્યારે અમદાવાદ ખાતે અધિવેશન નિમિત્તે ઉપસ્થિત રહી હોય, ત્યારે આ છાત્રશક્તિની વિશાળ અને ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન ‌8 જાન્યુઆરીએ થશે. આ શોભાયાત્રાને વિવિધ સામાજિક સંગઠનો અને સર્વ સમાજના લોકો દ્વારા તેનું સ્વાગત અને અભિવાદન પણ કરાશે. આ શોભાયાત્રા એ.ઈ.એસ ગ્રાઉન્ડ બોડકદેવથી નીકળીને ડ્રાઇવિંગ રોડ થઈ વસ્ત્રાપુર શહીદ ચોક ખાતે એક વિશાળ જાહેર સભાના સ્વરૂપમાં સમાપ્ત થશે. આ જાહેર સભામાં અલગ અલગ છાત્ર નેતાઓના શિક્ષણમાં પડતી સમસ્યાઓ તથા સમાજની વિવિધ પરિસ્થિતિ પર ભાષણ થશે. આ અધિવેશનમાં કર્ણાવતી મહાનગરના વિવિધ કોલેજ કેમ્પસઓમાંથી કલા ક્ષેત્રમાં આગવી ઓળખ ધરાવતા વિદ્યાર્થીઓ દ્વારા કલાકૃતિ પણ પ્રસ્તુત કરવામાં આવશે

1500 વિદ્યાર્થીઓ આવશે; સ્વાગત સમિતિની રચના કરાઇ
આ પ્રદેશ અધિવેશનની વ્યવસ્થા અને ગુજરાતના તમામ ક્ષેત્રોમાંથી આવનાર પ્રતિનિધિઓનું સ્વાગત એ સંપૂર્ણપણે સમાજના સહયોગથી થતી હોય છે. સમગ્ર ગુજરાતમાંથી આવતા 1500 જેટલા વિદ્યાર્થીઓનાં સ્વાગત માટે  અમદાવાદના જ કેટલાક નામી અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓની સ્વાગત સમિતિની રચના કરવામાં આવતી હોય છે.

Back to top button