અમદાવાદ 24 માર્ચ 2024: અમદાવાદમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ‘ગુજરાત કોમન એડમિશન સર્વિસ’ની કોમન એડમિશન પ્રક્રિયાને લઈને ચિંતનો વ્યક્ત કરવામાં આવ્યા હતા. જેમા લાંબા સમયની વિદ્યાર્થી પરિષદની માંગ તો થઈ પુરી છે. પરંતુ GCAS પોર્ટલમાં વિસંગતતાઓ અને અસમંજસના કારણે વિધાર્થીઓ મુંજવણ અનુભવી રહ્યા છે. જેવી તમામ બાબતોનું નિરાકરણ લાવવા માટે અપીલ કરવામાં આવી હતી.
કોમન એડમિશન પ્રક્રિયા લાગુ કરવાનો પ્રયાસ અભિનંદનને પાત્ર
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનાં પ્રદેશમંત્રી સમર્થ ભટ્ટે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપતા જણાવ્યું હતું કે અખિલ ભારતીય વિધાર્થી પરિષદ વર્ષોથી ઓનલાઇન અને સેન્ટ્રલાઇઝ એડમિશન પ્રક્રિયા માટેની માંગ કરતી આવી છે. આ પ્રયાસો થકી આગામી શૈક્ષણિક વર્ષ માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કોમન એડમિશન પ્રક્રિયા લાગુ કરવા માટેનો ઉત્તમ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે અભિનંદનને પાત્ર છે. પરંતુ આ પ્રયાસમાં ઘણી બધી ખામીઓ અને વિસંગતતાઓ સામે આવી રહી છે. ગુજરાત સરકાર દ્વારા GCAS પોર્ટલના લોન્ચિંગમાં ખૂબ જ ઉતાવળ કરેલી હોય તથા શૈક્ષણિક જગતના તમામ ભાગીદારો જોડે ચર્ચા કરેલ ના હોય, તેવુ પ્રતિત થાય છે. તેમજ તેમજ જિલ્લા સ્તર પર આ પ્રક્રિયાની માહિતી આપવા માટે હેલ્પ સેન્ટરોનુ કોઈ આયોજન થયેલ હોઈ તેવું જણાય રહ્યું નથી, અથવા તો થયેલ હોઈ તો આવા હેલ્પસેન્ટરોનો પૂરતો પ્રચાર પ્રસાર થયું નથી.
ABVP વિદ્યાર્થી અને પ્રશાસન વચ્ચે બ્રિજરૂપી કાર્ય કરશે
ગુજરાતના શિક્ષણ જગત માટે GCAS એ ખુબ મોટું પગલું કહી શકાય ત્યારે ABVP એ જણાવ્યું હતું કે આવનારી સમસ્યાના સમાધાનરૂપી કાર્યો પણ એક જાગૃત વિદ્યાર્થી સંગઠન તરીકે ABVP કરનાર છે. ગુજરાતના વિદ્યાર્થીઓને પ્રક્રિયામાં સરળતા રહે તે હેતુ ABVP દરેક જિલ્લા કેન્દ્રો પર હેલ્પસેન્ટર શરુ કરવા જઇ રહ્યું છે. સોશ્યિલ મીડિયા પર GCAS Help નામનું પેજ ચલાવી આ પ્રક્રિયા વિદ્યાર્થીઓને સમજવાનું અભિયાન થકી વિદ્યાર્થી અને પ્રશાસન વચ્ચે બ્રિજ રૂપી કાર્ય કરવા જઈ રહ્યું છે.
પોર્ટલનાં પ્રચાર પ્રસારમાં શિક્ષણ વિભાગ નિષ્ફળ રહ્યો
ABVP વધુમાં જણાવે છે કે ભવિષ્યમાં GCAS પોર્ટલ દૂરગામી નિર્ણય તો સાબિત થનાર છે પરંતુ આ પ્રયાસમાં ક્યાંકને ક્યાંક શિક્ષણ વિભાગ દ્વારા કેટલીક કચાશ રહી છે. પોર્ટલનાં સુવ્યવસ્થિત પ્રચાર-પ્રસારમાં શિક્ષણ વિભાગ નિષ્ફળ રહ્યો છે. જેના લીધે વિદ્યાર્થી જગતમાં ખૂબ મોટા પ્રમાણમાં પ્રશ્નો ઊભા થયા છે. આ પોર્ટલ પર માત્ર રેજીસ્ટ્રેશન હેતુ 300 રૂપિયા લેવામાં આવશે ત્યારે કેટલીક સરકારી કોલેજોમાં બહેનોની ટયુશન ફી જ માત્ર 5 રુપિયા હોય છે. આ પ્રવેશ પ્રક્રિયા વિદ્યાર્થી કેન્દ્રિત રહે તે ખુબ આવશ્યક છે. GCAS પોર્ટલ વિશેની માહિતી, ઉપયોગીતા અને તેની સરળતાનો લાભ વધારેમાં વધારે વિદ્યાર્થીઓને મળે તે માટેના પ્રયાસો થવા ખૂબ જ આવશ્યક છે.
આ પણ વાંચો: અમદાવાદ: લોકસભાની ચૂંટણી નજીક આવતાં જ દારૂની હેરાફેરી, ટ્રાન્સપોર્ટની આડમાં બોટલો લાવ્યા