અમદાવાદ: આંબાવાડી પાસે જાહેરમાં એકટીવા પર જતા યુવક પર દંડાવાળી; માથા સહિત અંગો પર ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડાયો


26 એપ્રિલ 2025 અમદાવાદ; રાજ્યભરની કાયદા વ્યવસ્થા દિવસે અને દિવસે કથડી રહી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે વસ્ત્રાલમાં જાહેરમાં મારામારી કરતા ઇસમો પર પોલીસનું કડક વલણ હોવા છતાં ફરી એકવાર અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારના કલ્યાણ જ્વેલર્સ પાસે ચાર ઈસમોએ ભેગા મળીને એકટીવા પર જતા યુવકને ડંડા વડે બેફામ માર મારી ઘાયલ કરી દીધો છે. યુવકને માથામાં ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડાયો હતો.
ગાળાગાળી કર્યા બાદ ડંડાઓ વડે ફટકારવાનું શરૂ
મળતી માહિતી મુજબ અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહેતા નિહાર ઠાકોર તારીખ 25 માર્ચના રાતે કલ્યાણ જવેલર્સ પાસેથી એકટીવા પર જતો હતો જે સમયે સૌરભ દેસાઈ અને વિજય દેસાઈ નામના ઇસમોએ રોકીને ગાળાગાળી કરી હતી. જે બાદ આ બંને યુવકો અને ધવલ દેસાઈ તેમજ અન્ય એક વ્યક્તિએ ભેગા મળી નિહાર ઠાકોરને ડંડાઓ વડે ફટકારવાનું શરૂ કર્યું હતું. જોકે નિહાર ઠાકોર ત્યાંથી ભાગી છૂટતા બચી જવા પામ્યો હતો. નિહાર ઠાકોરને માથાના ભાગે વધુ વાગી જતા હાલ નજીકની હોસ્પિટલમાં ખસેડાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવતા એલિસ બ્રિજ પોલીસ દ્વારા ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. 24 માર્ચના રોજ પણ બાપુનગર વિસ્તારમાં પોલીસ સુતી રહી હતી અને મર્ડર થઈ ગયું હતું જે બાદ કિન્નરો દ્વારા ખાટલો ઢાળી સૂતી પોલીસ સાથે બબાલ કરતો હોવાનો વિડીયો સામે આવ્યો હતો.