અમદાવાદ: મત્સ્યોધોગ મારફત રોજગારી મેળવવા કુલ 6 નાના-મોટા તળાવો ઈજારા ઉપર આપવામાં આવ્યાં
- માછીમાર લાભાર્થીઓ માટે પગડિયા મત્સ્ય સાધનો, માછલી વેચાણ મત્સ્ય સાધનો, બોટ નેટ ખરીદી, તળાવ બાંધકામ, રેફ્રીજરેટેડ વાહન સહિત લાઈવ ફિશ વેન્ડિંગ સેન્ટર યુનિટની ખરીદી માટે વિવિધ યોજનાકીય સહાયો અમલી
- પગડિયા મત્સ્ય સાધનો માટે વર્ષ 2021-22 માં રુ. 1,80,000 અને વર્ષ 2022-23 માં રુ. 4,17,600 ની સહાય આપવામાં આવી
દર વર્ષે 10 જુલાઇએ રાષ્ટ્રીય કક્ષાએ મત્સ્ય ખેડૂત દિન/મત્સ્યપાલક દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત દેશભરમાં મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલ માછીમારો, મત્સ્યપાલક અને મત્સ્ય વેચાણકર્તા લાભાર્થીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે વિવિધ યોજનાકીય લાભો અને અન્ય સહાયો પૂરા પાડવામાં આવે છે.ગુજરાત રાજ્યના મત્સ્યોધોગ વિભાગ હેઠળ અમદાવાદ જીલ્લામાં મત્સ્યોધોગ સાથે સંકળાયેલ લાભાર્થીઓ/ મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓને તેમના વ્યવસાયમાં સરકાર તરફથી મદદરૂપ થઇ શકાય તે માટે જુદી જુદી યોજનાઓનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.
6 નાના-મોટા તળાવો ઈજારા ઉપર આપવામાં આવ્યા
અમદાવાદ જિલ્લામાં આંતરદેશીય મત્સ્યોદ્યોગ સાથે ધોલેરા વિસ્તારના દરિયાઈ પટ્ટીના ગામોમાં દરિયાઈ મત્સ્યોદ્યોગ મારફત લાભાર્થીઓ રોજગારી મેળવી રહ્યા છે. જિલ્લામાં આંતર્દેશીય મત્સ્યોદ્યોગ હેઠળ કુલ 6 નાના-મોટા તળાવો ઈજારા ઉપર આપવામાં આવેલા છે. જેમાં મત્સ્યબીજનો ઉછેર કરી મત્સ્યોધોગ મારફત રોજગારી મેળવવામાં આવે છે.આ ઉપરાંત, નળ સરોવરની આજુબાજુ પ્રતિબંધિત વિસ્તારની બહાર નાની મોટી નદીઓ, ધારાઓમાં તથા ધોલેરા તાલુકાના દરીયાઈ પટ્ટીમાં કુદરતી રીતે મળતી માછલીઓની માછીમારી કરી માછીમાર લાભાર્થીઓ રોજગારી મેળવી રહ્યા છે.
અમદાવાદ જિલ્લાના છેવાડાના માછીમારો લાભ
જિલ્લામાં મત્સ્યોધોગ સાથે સંકળાયેલ લાભાર્થીઓને તેમના વ્યવસાયમાં મદદરૂપ થઇ તેમની રોજગારીમાં વધારો કરી શકાય તે માટે સરકાર તરફથી મુખ્યત્વે નીચેની સહાયો અમલમાં મૂકવામાં આવી છે. અમદાવાદ જિલ્લાના છેવાડાના માછીમારો, મત્સ્ય ઉત્પાદકો અને મત્સ્ય વેચાણકર્તાને આ યોજનાકીય સહાયો અંતર્ગત લાભ પહોચાડવામાં આવે છે.
(1) પગડિયા મત્સ્ય સાધનો ઉપર સહાય
આંતરદેશીય કે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પગે ચાલીને જે માછીમારો નાના પાયા ઉપર માછીમારી કરે છે તેઓને પગડિયા માછીમાર કહેવામાં આવે છે.આવા માછીમારોને પ્રોત્સાહિત કરવા વિવિધ મત્સ્ય સાધનો (સાયકલ, ઇન્સ્યુલેટેડ બોક્ષ, જાળ, તથા વજનકાંટો )અને યુનિટની ખરીદી ઉપર યુનિટ કોસ્ટ રુ. 8000 ની મર્યાદામાં 90% લેખે સહાય આપવામાં આવે છે. નાના લાયસન્સ ધારક માછીમારોને માછીમારી માટે પગડિયા મત્સ્ય સાધનો મળતા માછલી પકડવા તથા તેની સાચવણી કરવામાં સુગમતા મળી રહેતા આ યોજના નાના માછીમારો માટે આશીર્વાદરૂપ બની છે.વર્ષ 2021-22 માં કુલ 25 યુનિટ માટે રુ. 1,80,000 ની સહાય આપવામાં આવી છે.વર્ષ 2022-23 માં કુલ 58 યુનિટ માટે રુ.4,17,600 ની સહાય આપવામાં આવી છે.
(2) મહિલાઓને માછલી વેચાણ સાધન સહાય
આંતરદેશીય કે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં નાના પાયા પર માછલી વેચાણ કરતી મહિલાઓની રોજગારીમાં વધારા સાથે માછલીની સાચવણી કરી શકાય તે માટે માછલી વેચાણ કરતી લાયસન્સ ધારક મહિલા લાભાર્થીઓ તરફથી ખરીદ કરવામાં આવતા મત્સ્ય સાધનો (રેંકડી (હાથલારી), ઈન્સ્યુલેટેડ બોક્ષ,સાદુંબોક્ષ, તથા વજનકાંટા)ના યુનિટ ઉપર યુનિટ કોસ્ટ રુ.15,000 ની મર્યાદામાં સરકાર તરફથી 50% સહાય આપવામાં આવે છે. ઉક્ત યુનિટમાં સમાવેશ કરાયેલ કોઈ એક કે વધારે મત્સ્ય સાધન ખરીદ કરવામાં આવે તો પણ નિયત યુનિટ કોસ્ટની મર્યાદામા 50% ની પણ સહાય મળવાપાત્ર થાય છે. નાના પાયા ઉપર લાયસન્સ ધારક માછલી વેચાણ કરતી મહિલાઓને મત્સ્ય સાધનો મળતા માછલી વેચાણ તથા તેની સાચવણી કરવામાં સુગમતા મળી રહેતા આ યોજના નાના પાયા ઉપર માછલી વેચાણ કરતી મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.
જિલ્લામાં વર્ષ 2020-21 માં કુલ 41 હાથલારી યુનિટ માટે રુ. 2,05,000 ની સહાય આપવામાં આવી. જ્યારે 2021-22માં કુલ 15 હાથલારી યુનિટ માટે રુ. 75,000 ની સહાય આપવામાં આવી.
(3) બોટ નેટ ખરીદી ઉપર સહાય
સરકાર હસ્તકના જિલ્લાની જળરાશીના ઈજારદારઓને જળરાશીમાંથી માછલી પકડવા માટે ખરીદ કરવામાં આવતા મત્સ્ય સાધન એવી બોટ જાળ ઉપર યુનિટ કોસ્ટ રુ.15,000 ની મર્યાદામાં 50% લેખે સહાય આપવામાં આવે છે. જેમાં બોટ કે જાળોની અલગ અલગ ખરીદી ઉપર યુનિટ કોસ્ટ ની મર્યાદામાં પણ 50% ની સહાય આપવામાં આવે છે.વર્ષ 2020-21 માં 2 યુનિટ બોટ અને 6 યુનિટ જાળ માટે કુલ રુ.25000 ની સહાય આપવામાં આવી. વર્ષ 2021-22 માં 5 યુનિટ જાળ માટે કુલ રુ.25000 ની સહાય આપવામાં આવી.
(4) ખાનગી માલિકીની જમીનમાં મત્સ્ય ઉછેર માટે તળાવ બાંધકામ માટે સહાય
જિલ્લામાં ખાનગી માલિકીના જમીન ધારક ખાતેદારોને પોતાની જમીનમાં તલાવડાઓ બનાવી મત્સ્ય ઉછેર માટે પ્રોત્સાહિત કરી શકાય તે માટે તલાવડાના પ્રતિ હેક્ટર જળવિસ્તારના વિકાસ માટે યુનિટ કોસ્ટ રુ.7,00,000 ની મર્યાદામાં સરકાર તરફથી જનરલ કેટેગરી માટે 40% તથા અનુ.જાતિ કે અનુ.જનજાતિ માટે 60% સહાયની યોજના આમલમાં છે.
જિલ્લામાં આ યોજના હેઠળ વર્ષ 2019-20 માં 1 લાભાર્થીને 0.846 હેકટર વિસ્તારમાં તલાવડાના વિકાસ માટે રુ.2,36,880 ની સહાય આપવામાં આવી, જ્યારે વર્ષ 2022-23માં 1.50 હેકટર વિસ્તારમાં તલાવડાના વિકાસ માટે 1 લાભાર્થીને રુ.6,30,000 ની સહાય આપવામાં આવી છે.
(5) માછલીના પરિવહન માટે રેફ્રીજરેટેડ વાહનની ખરીદી ઉપર સહાય
રાજ્યમાં જથ્થાબંધ માછલી વેચાણ કરતા લાયસન્સ ધારક વેપારીઓને માછલીના પરિવહન દરમ્યાન માછલીની સાચવણી તેમજ ગુણવત્તા જળવાઈ રહે તે માટે રેફ્રીજરેટેડ વાહનની ખરીદી કરવા કરવા માટે યુનિટ કોસ્ટ રુ.10,00,000 ની મર્યાદામા 50% સહાય આપવામાં છે.
અમદાવાદ જીલ્લામાં આ યોજના હેઠળ વર્ષ 2020-21 માં કુલ 2 લાભાર્થીઓને 2 રેફ્રીજરેટેડ વાહનની ખરીદી માટે રુ.8,70,723 ની સહાય આપવામાં આવી તથા વર્ષ 2021-22 માં 1 લાભાર્થીને 1 રેફ્રીજરેટેડ વાહનની ખરીદી માટે રુ.5,00,000 ની સહાય આપવામાં આવી છે.
(6) મત્સ્ય ભવનના સંચાલન કામગીરી
રાજ્યની જાહેર જનતા માટે અમદાવાદ શહેર ખાતે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તરફથી કાંકરિયા લેકફ્રન્ટનો વિકાસ કરવામાં આવેલ છે. રાજ્ય સરકારશ્રીના મત્સ્યોધોગ વિભાગ તરફથી કાંકરિયા લેકફ્રન્ટ ખાતે મત્સ્યભવનનું સંચાલન કરવામાં આવી રહેલ છે, જેમાં મુલાકાત લેતા મુલાકાતીઓ તથા બાળકોને જીવિત જળસૃષ્ટિથી માહિતગાર કરી શકાય તે માટે નાની-મોટી અલગ અલગ પ્રજાતિની રંગીન માછલીઓને પ્રદર્શિત કરવામાં આવે છે.જેમાં માત્ર વયસ્ક મુલાકાતીઓ માટે રુ.5 ની પ્રવેશ ફી તથા બાળકો માટે રુ.2 ની પ્રવેશ ફી રાખવામાં આવેલ છે. જયારે શાળાઓના બાળકો માટે પ્રવેશ ફી માં 50% રાહત આપવામાં આવે છે. સરકાર તરફથી હયાત મત્સ્ય ભવનના અપગ્રેશન માટે નિર્ણય લેવાતા હાલમાં મત્સ્યભવનના મરામતની કામગીરી ચાલુ હોવાથી મત્સ્ય ભવન મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવેલ છે.
(7) પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના
ભારત સરકાર તરફથી પ્રધાન મંત્રી મત્સ્ય સંપદા યોજના અમલમાં મૂકવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં આ યોજનાની અમલવારીના ભાગ રૂપે લાયસન્સ લાઇવ ફીશ વેન્ડિંગ સેન્ટર ઘટક હેઠળ લાભાર્થીને લાભ આપવામાં આવેલ છે. જેમાં ધારક માછલીના વેપારી તરફથી જીવિત માછલીઓને ખુલ્લા બજારમાં વેચાણ કરવામાં આવે છે. જેનાથી ગ્રાહકોને તાજી અને આરોગ્યપ્રદ માછલી મળવાથી વેપારીને બજારભાવ વધારે મળે છે તથા સાચવણી માટે બરફ તેમજ અન્ય ખર્ચનો બચાવ થતો હોવાથી વેપારીને આર્થિક ફાયદો થાય છે. વર્ષ 2022-23 માં 1 લાભાર્થીને 1 લાઈવ ફિશ વેન્ડિંગ સેન્ટર યુનિટ માટે કુલ રુ.2,06,985 ની સહાય આપવામાં આવી છે.
આ ઉપરાંત, માછીમારો, મત્સ્યપાલક અને મત્સ્ય વેચાણકર્તા લાભાર્થીઓને વખતોવખત વિવિધ પ્રકારની તાલીમો પણ મત્સ્ય વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડૉ. હિરાલાલ ચૌધરી અને તેમની ટીમ દ્વારા તા. 10 જુલાઇ 1957 માં ઓડીશા ખાતે ભારતીય મેજરકાર્પનું પ્રેરિત સંવર્ધન કરવામાં આવ્યું હતું, જેની સફળતાના પગલે ભારતમાં ભારતીય મેજરકાર્પના મત્સ્યબીજની ટેકનીકનો વિકાસ થવા પામ્યો અને મત્સ્યપાલકોને તેમની જરૂરીયાત મુજબના ભારતીય મેજરકાર્પના મત્સ્યબીજ ઉપલબ્ધ થવા લાગ્યા. આથી દર વર્ષે 10 જુલાઈના દિવસને મત્સ્યપાલક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે 66 મા રાષ્ટ્રીય મત્સ્યપાલક દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.
આ પણ વાંચો : ગુજરાતમાં શાકભાજીના ભાવ વધતા શાકમાર્કેટમાંથી ચોરીઓ શરૂ