અમદાવાદ: અંદાજે 85 વર્ષ જૂનું બિલ્ડિંગ ધરાવતી સ્કૂલ આખરે ટ્રાન્સફર થશે

- વિદ્યાર્થીઓને નારણપુરા તેમજ નવરંગપુરાની સ્કૂલમાં ટ્રાન્સફર કરવાની વાલીઓને સૂચના
- 3 પીલરની સ્થિતિ ખૂબ જ ભયજનક હોવાનું રિપોર્ટમાં જોવા મળ્યું
- સ્કૂલને સેંટ ઝેવિયર્સ લોયલામાં ટ્રાન્સફર માટે દરખાસ્ત કરવા ડીઈઓ દ્વારા સૂચના આપવામાં આવી
અમદાવાદમાં અંદાજે 85 વર્ષ જૂનું બિલ્ડિંગ ધરાવતી સ્કૂલ આખરે ટ્રાન્સફર થશે. જેમાં આખરે માઉન્ટ કાર્મેલ સ્કૂલ ટ્રાન્સફર થશે તેમાં બિલ્ડિંગનો માત્ર 8.55 ટકા હિસ્સો જ સક્ષમ છે. ગેરીના NDT ટેસ્ટિંગ રિપોર્ટ બાદ DEOની સૂચનાથી મેનેજમેન્ટને સૂચના અપાઇ છે. બિલ્ડિંગનાં 152 પીલરમાંથી 136ની હાલત ખરાબ અને ત્રણ ભયજનક સ્થિતિમાં છે. તેથી સેંટ ઝેવિયર્સ લોયલા સ્કૂલમાં વિદ્યાર્થીઓને ટ્રાન્સફર કરાશે.
આ પણ વાંચો : અમદાવાદ: 6 લેન એલીવેટેડ બ્રિજ બનતા આ વિસ્તારમાંથી પસાર થતા લાખો વાહન ચાલકોને ફાયદો થશે
3 પીલરની સ્થિતિ ખૂબ જ ભયજનક હોવાનું રિપોર્ટમાં જોવા મળ્યું
શહેરના નવરંગપુરામાં આવેલી અંદાજે 85 વર્ષ જૂનું બિલ્ડિંગ ધરાવતી માઉન્ટ કાર્મેલ સ્કૂલ આખરે ટ્રાન્સફર થશે. ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટયુટ (ગેરી)ના NDT ટેસ્ટિંગ રિપોર્ટમાં બિલ્ડિંગનો માત્ર 8.55 ટકા જ હિસ્સો સક્ષમ હોવાનું સામે આવ્યું છે. આ બિલ્ડિંગના કુલ 152 પીલરમાંથી 136ની હાલત કફોડી છે. જ્યારે 3 પીલરની સ્થિતિ ખૂબ જ ભયજનક હોવાનું રિપોર્ટમાં જોવા મળ્યું છે. ગેરીના રિપોર્ટ આધારે શહેર ડીઈઓ દ્વારા કાર્યપાલક ઈજનેરને પણ પત્ર મોકલી અપાયો છે. બીજી તરફ સ્કૂલને સેંટ ઝેવિયર્સ લોયલામાં ટ્રાન્સફર માટે દરખાસ્ત કરવા ડીઈઓ દ્વારા સૂચના આપવામાં આવી છે.
વિદ્યાર્થીઓને નારણપુરા તેમજ નવરંગપુરાની સ્કૂલમાં ટ્રાન્સફર કરવાની વાલીઓને સૂચના
નવરંગપુરાની માઉન્ટ કાર્મેલ સ્કૂલે બિલ્ડિંગ જર્જરીત હોવાનું કારણ આપી વિદ્યાર્થીઓને નારણપુરા તેમજ નવરંગપુરાની સ્કૂલમાં ટ્રાન્સફર કરવાની વાલીઓને સૂચના અપાઈ હતી. અચાનક સંચાલકોની સૂચના મળતા વાલીઓમાં ભારે રોષ ફેલાયો હતો અને આ અંગેની DEO કચેરીમાં પણ રજૂઆત પહોંચી હતી. સ્કૂલે ડીઈઓ સમક્ષ ખુલાસો કર્યો હતો કે, અમારી સ્કૂલનું બિલ્ડીંગ 84 વર્ષ જુનુ છે અને તપાસ કરાવતાં જર્જરીત હોવાનો રિપોર્ટ આવ્યો છે. એ પછી ડીઈઓ દ્વારા બિલ્ડીંગ ચકાસણી માટે કાર્યપાલક ઈજનેર અને ગેરીને પત્ર પાઠવ્યો હતો. ગેરીએ તેના રિપોર્ટમાં સ્પષ્ટ જણાવ્યુ છે કે, સ્કૂલ પાસે ઓરિજનલ ડ્રોઇંગ નથી. નવા બિલ્ડીંગના 152 પીલરમાંથી માત્ર 13 પીલરની ગુણવત્તા સારી છે. એ સિવાય 136ની શંકાસ્પદ સ્થિતિમાં અને 3ની ગુણવત્તા ખૂબ જ ખરાબ છે. સ્કૂલના ધો.9થી 12ના વિદ્યાર્થીઓને સેંટ ઝેવિયર્સ સ્કૂલમાં ટ્રાન્સફર કરાશે અને એ માટે ડીઈઓ દ્વારા બે પાળી સ્કૂલ ચલાવવાની મંજૂરી અપાશે. એ સિવાયના વિદ્યાર્થીઓને મિરઝાપુર ખાતે ટ્રાન્સફર કરાશે.