અમદાવાદ : ‘ધ અર્થિંગ ગ્રુપ’ દ્વારા ફ્રી થિયેટર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું
અમદાવાદના ‘ધ અર્થિંગ ગ્રુપ’ દ્વારા ફ્રી થિયેટર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજના કેમ્પસમાં ગુર્જરવાણી ખાતે આઠ દિવસના ફ્રી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ. લોકોમાં કલા પ્રત્યે પ્રેમ જાગે અને થિયેટરમાં વધારે લોકો આગળ વધે તે ઉદ્દેશ્યથી આ વર્કશોપ યોજાયો હતો, જેની ગઈકાલે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, પૂર્ણાહુતિના આ કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓએ અલગ-અલગ પ્રકારના નાટકો રજૂ કર્યા હતા.
આ પણ વાંચો : અમદાવાદ: માઉન્ટ કાર્મેલ સ્કૂલ ખાતે ડો. લવીના સિંહા અને પૃથ્વીરાજસિંહ જાડેજાની હાજરીમાં યોજાયો અનોખો કાર્યક્રમ
વિન્ટર થિયેટર સ્કુલ 3.0 નું આયોજન કરવામાં આવ્યું
અમદાવાદના નાટ્ય કલા ક્ષત્રે અગ્રીણ અને ‘ધ અર્થિંગ ગ્રુપ’ના ફાઉન્ડર એવા પ્રફુલ પંચાલ અને ચીરાગ(આનંદ) પારેખને એક વિચાર આવ્યો હતો કે વર્ષ દરમ્યાન બે એવા ફ્રી થિયેટર વર્કશોપ યોજવા છે, જેમાં બાર વર્ષથી વધુની ઉંમરના કોઈ પણ વ્યક્તિ જોડાય અને નાટ્ય કલાને ઓળખતા થાય ! આ વિચાર હેઠળ આ વર્ષે વિન્ટર થિયેટર સ્કુલ 3.0 નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં 50 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ વર્કશોપ દરમ્યાન થિયેટર ક્ષેત્રે વર્ષોથી જોડાયેલા એવા રાજુ બારોટ, કમલ જોશી, વોલ્ટર પીટર, શિલ્પા ઠાકર, હર્ષલ વ્યાસ, મૌન સાધુ,પાર્થ પટેલ, ચિરાગ(આનંદ) પારેખ અને અક્ષત દરજી જેવા મહાનુભાવોએ વર્કશોપમાં હાજરી આપી તેમના અનુભવો શેર કર્યા હતા. આ સિવાય સંસ્થાના ફાઉન્ડર પ્રફુલ પંચાલે ઓનલાઈન સેશનમાં વિદ્યાર્થીઓને સંબોધન કર્યુ હતુ.
વિદ્યાર્થીઓએ રજૂ કર્યા અલગ-અલગ પ્રકારના નાટકો
વિદ્યાર્થીઓએ આઠ દિવસના વર્કશોપ દરમ્યાન અલગ અલગ ફેકલ્ટીઓ પાસેથી થિયેટર વિશેનું ઘણુ જ્ઞાન મેળવ્યું હતુ અને છેલ્લાં દિવસે આખા વર્કશોપ દરમ્યાન મેળવેલા જ્ઞાનનો ઉપયોગ કરી વાચિકમ,ભવાઈ,સ્કીટ, એક્સપ્રિમેન્ટલ થિયેટર, ઈમોશન્સ પ્લે અને હાસ્ય નાટકો રજૂ કર્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ તેમજ દર્શકોને પણ ઘણો આનંદ થયો હતો.
ગ્રુપ છેલ્લા પાંચ વર્ષથી ફ્રી થિયેટર વર્કશોપ કરે છે ‘ધ અર્થિંગ ગ્રુપ’
‘ધ અર્થિંગ ગ્રુપ’ છેલ્લા પાંચ વર્ષથી આવા ફ્રી થિયેટર વર્કશોપ કરે છે અને નાટ્યક્ષેત્રને નામાંકિત કલાકારો આપે છે. સંસ્થાના કો-ફાઉન્ડર ચિરાગ દેશાણીએ જણાવ્યુ હતુ કે, ‘અમે દર વર્ષે ફ્રી થિયેટર વર્કશોપ માટે વિદ્યાર્થીઓની લેખિત પરિક્ષા લઈએ છીએ તેમજ ઈન્ટરવ્યૂ લઈ માત્ર 50 વિદ્યાર્થીઓને સિલેક્ટ કરીએ છીએ.’ આ સિવાય ચિરાગ (આનંદ) પારેખે જણાવ્યુ હતુ કે,’ ‘ધ અર્થિંગ ગ્રુપ’ હાથ ખેંચવાની વૃત્તિ સાથે આગળ વધે છે, એટલે કે આપણે આગળ આવીએ અને સાથે બીજાને પણ આગળ લાવીએ, ઉપરાંત ધ અર્થિંગ ગ્રુપનો લોગો કે જેમાં મૂળ સાથેનું વૃક્ષ દર્શાવવામાં આવ્યું છે, એ દર્શાવે છે કે આપણે ગમે તેટલા આગળ આવીએ, પરંતુ આપણાં મૂળને, જ્યાંથી આપણે આવ્યા છીએ, તેને ના ભૂલવું જોઈએ.’