અમદાવાદ: માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, ન્યૂડ વીડિયો કોલના ટ્રેપમાં ફસાતા સગીરનો આપઘાત
- વિદ્યાર્થીનો ફોન ચાલુ કરતા ધમકીના ફોન આવ્યા
- 2 વર્ષની સજા, રૂપિયા 5 લાખનો દંડ અને ધરપકડ વોરન્ટની ધમકી
- ન્યૂડ કોલ આવે અને હનીટ્રેપમાં ફસાવવાની કોઈ કોશિશ કરે તો ડરવાની જરૂર નથી: હર્ષ સંઘવી
અમદાવાદમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં ન્યૂડ વીડિયો કોલના ટ્રેપમાં ફસાતા સગીરે આપઘાત કર્યો છે. અમદાવાદના સરસપુરમાં ધો.10ના વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. તેમાં સગીરે બ્લેક મેલરને રૂપિયા 23 હજાર ચૂકવ્યા હોવા છતા ધમકી આપવામાં આવી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં બપોરે 12.39ના વિજય મુહૂર્તમાં ઠેર ઠેર મહાઆરતીનું આયોજન
વિદ્યાર્થીનો ફોન ચાલુ કરતા ધમકીના ફોન આવ્યા
વિદ્યાર્થીનો ફોન ચાલુ કરતા ધમકીના ફોન આવ્યા હતા. જેમાં 2 વર્ષની સજા, રૂપિયા 5 લાખનો દંડ અને ધરપકડ વોરન્ટની ધમકી આપવામાં આવી હતી. તેથી શહેરકોટડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગુજરાત સહિત ભારતભરમાં સાયબર ફ્રોડના કિસ્સાઓ ખૂબ વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે. ગુજરાતમાં પણ રોજબરોજ અનેક સાઇબર ફ્રોડ કિસ્સાઓ થઈ રહ્યા છે જેને ડામવા પોલીસ સતર્ક છે. ત્યારે અત્યારના સમયમાં ન્યૂડ વિડીયો કોલ, બેંક લોન ફ્રોડ, વર્ક ફોર્મ હોમ, youtube ટાસ્ક ફ્રોડ, સીમ સ્વેપ સહિતના ફ્રોડ દ્વારા લોકો પાસેથી લાખો કરોડો રૂપિયા પડાવી રહ્યા છે.
ન્યૂડ કોલ આવે અને હનીટ્રેપમાં ફસાવવાની કોઈ કોશિશ કરે તો ડરવાની જરૂર નથી: હર્ષ સંઘવી
અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના લોકોને જાહેર અપીલ કરી હતી કે વ્હોટ્સએપથી કે બીજા કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી આપને જો ન્યૂડ કોલ આવે અને હનીટ્રેપમાં ફસાવવાની કોઈ કોશિશ કરે તો ડરવાની જરૂર નથી. કોઈ પણ વ્યક્તિ વિના સંકોચે પોલીસને જાણ કરીને ગૃહ વિભાગની મદદ લઈ શકે છે. કોઈની પણ જાળમાં ભૂલથી પણ ફસાઈ જાઓ તો ડરવાની કે તે વાતને છુપાવવાની જરૂર નથી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અપીલ કરતાં કહ્યું છે કે આવાં તત્વોના બ્લેકમેલથી બચવા માટે પોલીસ તમારી મદદ કરવા માટે તૈયાર છે.