અમદાવાદ: 69000 કરોડનું અનાજ ગરીબો સુધી પહોંચતું જ નથી; 43% અનાજનો જથ્થો બારોબાર સગેવગે; સમગ્ર દેશમાં ગુજરાત 3 નંબરે
અમદાવાદ 18 ડિસેમ્બર 2024; વર્ષોથી સમગ્ર દેશમાં જાહેર વિતરણ વ્યવસ્થામાં લીકેજ હોવાના કારણો સામે આવતા હોય છે. સરકાર ગરીબોને મફત અનાજ આપે છે પરંતુ અનાજ માફીયાઓ અનાજ વિતરણ વ્યવસ્થામાં મોટાપાયે ભ્રષ્ટાચાર કરે છે. જેમાં ગુજરાત રાજ્યમાં 69000 કરોડનું અનાજ ગરીબો સુધી પહોંચતું જ નથી અને બારોબાર સગેવગે થઈ જાય છે. સર્વે મુજબ 43% અનાજનો જથ્થો બારોબાર વેચી દેવાય છે. અનાજના ભ્રષ્ટાચારમાં ગુજરાત દેશમાં ત્રીજા નંબરે પહોંચ્યો છે. આવી તમામ આંકડાકીય માહિતી કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી દ્વારા રજૂ કરવામાં આવી હતી.
દેશમાં 28% લીકેજ; 43% લીકેજ સાથે ગુજરાત 3 ક્રમાંકે
ફુડ કોર્પોરેશનના ગોડાઉનમાંથી માર્ગમાંજ અનાજનો જથ્થો ‘પગ’ કરી જાય છે, સમગ્ર દેશમાં 28% લીકેજ, બગાડને ગોડાઉનથી રેશન દુકાન સુધી પહોંચતું નથી, રાષ્ટ્રીય તિજોરીને મોટું નુકશાન સાથે સમગ્ર ગુજરાતમાં જાહેર વિતરણ વ્યવસ્થાના ઘઉં-ચોખાનો 43.02% જથ્થાનાં લીકેજ-ગાયબ થવા અંગે જવાબ માંગતા કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં લક્ષિત વિતરણ વ્યવસ્થા હેઠળ નિયમીત રીતે વિવિધ અનાજ આપવામાં આવે છે જેમાં લીકેજ એટલે કે કાળાબજારમાં ધકેલાઈ જતા અનાજ અને ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડીયાના ગોડાઉનમાં પણ હજારો ટન અનાજ સડી જાય છે. હાલમાં જ એક ઈકોનોમીક ર્થીક ટેન્ક દ્વારા આપવામાં આવેલા તારણ મુજબ સરકારી વિતરણનું ૨૮% અનાજ એટલે કે 20 મીલીયન ટન ચોખા-ઘઉં આશરે કિંમત 69000 કરોડનું અનાજ ગરીબો સુધી પહોંચતું જ નથી. આ વાર્ષિક નુકસાન છે. આ ક્યાં જઈ રહ્યું છે? કદાચ તે ખુલ્લા બજારમાં અથવા નિકાસ માટે મોકલવામાં આવી રહ્યું છે. હાઉસ હોલ્ડ કન્ઝમ્પશન એકસપેન્ડીચર સર્વેના ડેટા અને ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા દર મહીને જે ડેટા રીલીઝ કરે છે તેના અભ્યાસ પરથી (ઓગષ્ટ 2022થી જુલાઈ 2023વચ્ચે) એ તારણ અપાયુ છે કે 2 કરોડ ટન ઘઉં-ચોખા લાભાર્થી સુધી પહોંચ્યા જ ન હતા. આ એક મોટું રાષ્ટ્રીય નુકસાન છે અને તે અનાજ જે ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ગોડાઉનમાંથી નિકળે છે તે કયાં જાય છે? તે ગંભીર બાબત છે. આ એક મોટો આર્થિક ભ્રષ્ટાચાર છે અને તેનાથી સરકારી તિજોરીને મોટું નુકસાન થાય છે. 28% બગાડ કે ખરેખર જરૂરિયાતમંદ સુધી ન પહોંચે તે એક મોટો મુદ્દો છે. સરકાર ટેકાના ઉંચા ભાવે આ અનાજ ખરીદે છે અને જરૂરિયાતમંદ વર્ગને મફત અથવા સાવ નીચા ભાવે તે પુરુ પાડે છે. સરકારે જાહેર વિતરણ વ્યવસ્થામાં ડીજીટલ ટેકનોલોજી અપનાવી અને જોબ ઈન્વેસન સહિતના ઉપાયોની જાહેરાતો કર્યા છતા પણ 69000 કરોડનું અનાજ ‘ગરીબો સુધી પહોંચતું નથી. જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સમગ્ર દેશમાં ૨૮ ટકા લીકેજ, જાહેર વિતરણ વ્યવસ્થાના અનાજનો બગાડ અટકાવવા જરૂરી છે.
સૌથી વધુ લીકેજ ધરાવતા રાજ્યો
અરૂણાચલ પ્રદેશ 63.18, નાગાલેન્ડ 60.36, ગુજરાત 43.02, હિમાચલ પ્રદેશ 36.27, ઉત્તરાખંડ 35.72 , મહારાષ્ટ્ર 35.68, ઉત્તર પ્રદેશ 33.15
સૌથી ઓછુ લીકેજ ધરાવતા રાજ્યો
તેલંગાણા 0.30 આંધ્રપ્રદેશ 1.20, કર્ણાટક 6.17, પશ્ચિમ બંગાળ 9%, જમ્મુ કાશ્મિર 9.87, તામિલનાડુ 15.84, બિહાર 19.16
આમ, જાહેર વિતરણ વ્યવસ્થામાં સૌથી ઓછું લીકેજ ધરાવતા રાજ્ય તેલંગાણા, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, જમ્મુ કાશ્મિર, તામિલનાડુ રાજ્યોનો સમાવેશ થાય છે.