અમદાવાદ: ખ્યાતિ હોસ્પિટલના CEO સહિત 5 ફરાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી


- તમામ આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે
- તબીબોએ PMJAY હેઠળ દર્દીઓની બિનજરૂરી સર્જરી કરી હતી
- આરોપીઓની અલગ-અલગ જગ્યાએથી ધરપકડ કરવામાં આવી
અમદાવાદમાં આવેલ ખ્યાતિ હોસ્પિટલના CEO સહિત પાંચ ફરાર આરોપીઓની અલગ-અલગ જગ્યાએથી ધરપકડ કરવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલના તબીબોએ PMJAY હેઠળ દર્દીઓની બિનજરૂરી સર્જરી કરી હતી. જેના કારણે બે દર્દીઓના મોત નિપજ્યા હતાં.
ડૉક્ટરો, સંચાલકો અને સ્ટાફ દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યાનું સામે આવ્યું
ડૉક્ટરો, સંચાલકો અને સ્ટાફ દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યાનું સામે આવ્યું હતું. ત્યારે હવે આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ખ્યાતિ હોસ્પિટલના પાંચ ફરાર આરોપીઓની અલગ-અલગ જગ્યાએથી ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ મધ્ય ગુજરાતના ફાર્મ હાઉસમાં છૂપાયા હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી હતી. જેમાં ચિરાગ રાજપૂતની ખેડાથી તેમજ અન્ય બે વ્યક્તિને ઉદયપુરથી ઝડપી પાડ્યા હતા. ત્યારે હવે આ મામલે JCPએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
તમામ આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે
પોલીસે જણાવ્યું હતું કે, ચિરાગ રાજપૂત, મિલિન્દ પટેલ, રાહુલ જૈન, પ્રતિક ભટ્ટ અને પિંકલ પટેલની ધરપકડ કરવામાં આવી છે. ચિરાગ રાજપૂતનો ગુનાહિત ઈતિહાસ છે. ચિરાગ રાજપૂતની નીચે એક ટીમ કામ કરતી હતી. ચિરાગનો મહિને સાત લાખ રૂપિયા પગાર હતો. જ્યારે મિલિન્દ પટેલ અગાઉ સાલ હોસ્પિટલમાં કામ કરતો હતો. તેની સામે અગાઉ બે ગુના નોંધાયેલા છે. રાહુલ જૈન હોસ્પિટલમાં ઓડિટ કામ કરતો હતો. આ તમામ ચાઈનીઝ એપથી એકબીજાના સંપર્કમાં હતા. તમામ આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે.