અમદાવાદ: નશો કરવા માટે બાળકોને એલર્જીની દવાના ઇંજેક્શન આપનાર 2 ઝડપાયા; 100 રૂપિયામાં મહિલા વેચતી હતી નશામાં વપરાતુ AVILનું ઈન્જેક્શન
2 જાન્યુઆરી 2025 અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તાર ઈસનપુરમાં પોલીસે નશાનો એક અનોખો કારોબાર પકડી પાડ્યો છે. ઇસનપુર પોલીસે બાતમીના આધારે સોહેલ શેખનીની ધરપકડ કરી અને તેની પાસેથી નશાકારક ઈન્જેકશન કબ્જે કર્યા. પોલીસે ધરપકડ કરીને તપાસ કરી તો જાણવા મળ્યું કે કલીમ ઉર્ફે ભૈયા પઠાણની પત્નીએ સોહેલને મજૂરી પર રાખ્યો હતો અને ઈન્જેકશન વેચવા માટે રોજની 500 રૂપિયા મજૂરી આપી વેચાણ કરાવતી હતી. મહત્વનું છે કે આ ઈન્જેકશન બાળકો અને યુવકોને વેચવામાં આવતા હતા.
કિશોરને આપતા જ પોલીસે દોડીને ઝડપી પાડ્યો
પ્રાપ્ત માહિતી મુજબ જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજા અને ઈસનપુર પીઆઈ બી.એસ.જાડેજાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મિલ્લતનગર ઢાળ પાસે કેટલાક શખ્સો ગેરકાયદે દવા અને ઈન્જેકશનનો જથ્થો નશો કરાવવાના ઈરાદે બાળકોને વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. ત્યારે એક શંકાસ્પદ શખ્સ પોતાના ખિસ્સામાંથી કંઈક કાઢીને એક કિશોરને આપતા જ પોલીસે દોડીને તેને ઝડપી પાડ્યો હતો. ઇસનપુર પોલીસે તપાસ કરતા કિશોર પાસેથી એવીલ દવાની શીશી તથા એક નીડલ સાથે સીરીંજ મળી આવી હતી. પોલીસે સોહેલ સલીમભાઈ શેખની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની તપાસ કરતા તેની પાસેથી 56 એવીલ દવાની શીશી તેમજ 44 નીડલ મળી આવી હતી. પોલીસે આરોપીની પૂછપરછ કરતા આરોપી આ દવાનો ડોઝ સીંરીજ દ્વારા બનાવી આપતો હતો. જે નશો કરવા વપરાતો હતો.
100માં નશાની ઇન્જેક્શન કરાતું વેચાણ
એસીપી જાડેજાનાં જણાવ્યાં મુજબ કે કલીમની પત્ની નાઝિયાએ આ ઈન્જેક્શન અને નીડલનો જથ્થો કર્ણાવતી ફાર્માના માલિક હાર્દિક ઝાલાવાડિયા પાસેથી લીધો હતો. જેથી ઈસનપુર પોલીસે સોહેલ શેખ અને હાર્દિક ઝાલાવડીયાની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ બાળકો થકી અને બાળકોને આ ઇન્જેક્શન 100 રૂપિયાના નશા માટે આપતા હતા. આરોપી કલીમ પઠાણ શરીર સંબંધી ગુના હેઠળ પાસામાં જેલમાં છે. જોકે સલીમની પત્ની નાઝિયા બીમાર હોવાથી નોટિસ આપવામાં આવી છે. આરોપી હાર્દિક બીજાના લાઇસન્સ ઉપર દવાઓનું વેચાણ કરતો જેથી પોલીસ આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરશે, ત્યારે પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આ ઇન્જેક્શન શરીરમાં એલર્જી માટે ઉપયોગમાં લેવામાં આવતા હોય છે.