અમદાવાદઃ PRIVILON ગ્રુપનો આરોપી બિલ્ડર હિરેન કારિયાનાં 14 દિવસના રિમાન્ડ મંજૂર; છેતરપિંડી કરીને 13 કરોડ મેળવ્યા


16 જાન્યુઆરી 2025 અમદાવાદ; શહેરના સાઉથ બોપલમાં ઘુમા રોડ પર પ્રીવીલોન ગ્રુપની રહેઠાણ સ્કીમ નામે પાટીયા મારી રેરા રજીસ્ટ્રેશન વગર લોકો પાસેથી દુકાન અને ફ્લેટના બુકિંગ અને એડવાન્સ પેટે રકમ મેળવી ફુલેકુ ફેરવ્યું હોવાની બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેના મુખ્ય આરોપી જયદીપ કોટક અને હિરેન કારિયાની ધરપકડ કરી લેવામાં આવી છે. 20 દિવસની સતત શોધ ખોળ બાદ આરોપી હિરેન કારિયાની પોલીસ દ્વારા ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કરાયો છે. જેમા 14 દિવસના રિમાન્ડ મંજૂર કરી હિરેન કારિયાને પોલીસને સોંપી દેવાયો છે.
આરોપી હિરેન કારિયાએ જુનાગઢ ખાતે કર્યા છે ફ્રોડ
અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ ઝાટના જણાવ્યા મુજબ પ્રીવીલોન ગ્રુપના ખાતા માંથી હિરેન કારિયાએ કુલ 13 કરોડની રકમ મેળવી છે. હાલ તેને કોર્ટમાં રજૂ કરીને વધુ પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડ કોર્ટમાંથી મેળવી લેવાયા છે. અગાઉ પ્રથમ આરોપી જયદીપ કોટકની પણ ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી દેવાઇ છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે આ બંને આરોપીઓએ અન્ય બિલ્ડરોના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યા છે જેની તપાસ કરવાની છે. હાલ પકડાયેલો આરોપી હિરેન કારિયા જૂનાગઢ ખાતે અમૃત તથા શ્રીજી ડેવલોપર્સ અને બંસી ડેવલોપર્સના નામે ભાગીદારી પેઢીઓ ખોલી હતી. તેમાં ફ્રોડ થયા હોવાની માહિતી સામે આવી રહી છે. સાથે તેમના પાર્ટનરની પણ તપાસ કરાશે.
મેળવેલા 13 કરોડ રૂપિયાની તપાસ કરાશે
એસપીએ વધુમાં ઉમેર્યું હતું કે આરોપી હિરેન કારિયાએ જૂનાગઢની એક બેંકમાંથી 2 કરોડ રૂપિયાની લોન લઈને પૈસા પરત કર્યા નથી, જેની કોર્ટ કાર્યવાહી ચાલુ છે. આરોપી પૈસા મેળવવાની પરત નહીં આપવાની આદત વાળો છે. તેની તમામ પ્રોપર્ટીની હવે તપાસ કરાશે. સાથે આરોપીની જમીન બાબતે ખેડૂતો સાથેના સોદા ચિઠ્ઠી મેળવવાની છે. તેમજ પ્રિવિલોન ગ્રુપનાં એકાઉન્ટમાંથી 13 કરોડ રૂપિયા લીધા હતા તે અંગેની ભાગીદારો અને પેઢીમાંથી કેટલા રૂપિયા લઈ ગયા તેની તપાસ પણ કરવામાં આવશે. સાથે આરોપીના કોલ ડીટેલ રેકોર્ડ મેળવવાની તજવીજ શરૂ કરી દેવાઇ છે.