અમદાવાદ: 12 વાગે જન્મ દિવસ હતો, 11 વાગે અપહરણ કરી પતાવી દીધો; શંકર સાલવીની હત્યા બાદ પરિવારનો આક્રંદ


26 ફેબ્રુઆરી 2025 અમદાવાદ: શહેરના રાણીપ પાસે આવેલી ઓઇલ મીલની ચાલી પાસે રહેતા 17 વર્ષીય યુવાન શંકર સાલવીને 15થી વધુ અસામાજિક તત્વોના ટોળાએ પાઇપો અને પથ્થરો વડે માર મારી પતાવી દીધો. આરોપીઓએ જૂની અદાવત રાખીને નશાની હાલતમાં મોટી સંખ્યામાં આવીને શંકર સાલવીને તેના ઘર પાસેથી લઈ ગયા અને રાણીપના બકરા મંડી લઈ જઈને તલવારો પાઇપો અને હથિયારો વડે માર મારી મોત નીપજાવ્યું હતું. જોકે આ મામલે કુલ 6 આરોપીઓની રાણીપ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પરિવારજનોની માંગણી હતી કે આ તમામ 6 આરોપીઓને જાહેરમાં સરઘસ કાઢવામાં આવે અને કડકમાં કડક સજા આપવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ આવી રીતે કોઈની હત્યા કરવાનો વિચાર ન કરી શકે.
આરોપીઓને ફાંસી તથા આજીવન કેદની માંગ
શંકર સાલવીની માતાએ જણાવ્યું હતું કે મારો છોકરો તો જતો રહ્યો પરંતુ અમને આસપાસના લોકો દ્વારા ધમકીઓ મળી રહે છે કે ફરીથી અમારા ઉપર હુમલો થઈ શકે છે. જેથી તમામ લોકોને આજીવન કેદની સજા આપવામાં આવે. મુખ્ય આરોપીઓના નામ સંજય ઠાકોર, બીબલી ઠાકોર, ગોપાલ ઠાકોર, કરણ ઠાકોર અને પૂનમ ઠાકોર છે. જેઓની પોલીસ દ્વારા ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.