અમદાવાદગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

અમદાવાદ : રથયાત્રા દરમિયાન બિલ્ડીંગનો ભાગ તૂટી પડવાની ઘટનામાં 1નું મોત

Text To Speech
  • દરિયાપુર વિસ્તારમાંથી યાત્રા પસાર થતી હોય ત્યારે જર્જરિત બિલ્ડીંગના બીજા માળનો રવેશ પડ્યો હતો
  • ઘટનામાં 1 ડઝન જેટલા ભક્તોને પહોંચી હતી ઈજા
  • મેહુલ પંચાલ નામના યુવકનું સારવારમાં મોત નીપજ્યું
  • કોર્પોરેશને બિલ્ડીંગને ફટકારી નોટીસ

અમદાવાદના દરિયાપુરમાં ભગવાન જગન્નાથ રથયાત્રા દરમિયાન અકસ્માત સર્જાયો છે. અહીં રથયાત્રા દરમિયાન એક બિલ્ડિંગની બાલ્કની પડી હતી. તેના કારણે એક વ્યક્તિનું મોત થયું હતું અને લગભગ ડઝનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ બિલ્ડીંગમાં નોટીસ આપી છે. જો કે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી રહી છે.

બીજા માળની બિલ્ડીંગનો રવેશ તૂટ્યો હતો

મળતી માહિતી મુજબ, રથયાત્રાના રૂટ પર એક બિલ્ડિંગના બીજા માળની બાલ્કનીનો એક ભાગ ધરાશાયી થયો હતો. આ દરમિયાન ઘણા લોકો ભગવાન જગન્નાથના દર્શન કરવા નીચે ઉભા હતા. બાલ્કનીનો એક ભાગ શ્રદ્ધાળુઓ પર પડતાં નાસભાગ મચી ગઈ હતી. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનામાં મેહુલ પંચાલ (ઉ.વ.36)નું સારવાર દરમિયાન મોત થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રથયાત્રાના રૂટ પરની તમામ જોખમી અને જર્જરિત ઈમારતોને નોટિસ આપવામાં આવે. કડિયાનાકા પાસે જે બિલ્ડીંગમાં અકસ્માત સર્જાયો હતો તે બિલ્ડીંગ પણ જર્જરિત હાલતમાં હતી.

અન્ય ભક્તોને નાની-મોટી ઈજાઓ થઈ હતી

કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કડિયાનાકા પાસે એક જૂના મકાનનો માલિક ત્રણ અન્ય લોકો સાથે રથયાત્રા નિહાળવા માટે ઊભો હતો. દરમિયાન અચાનક તે સ્લેબ પરથી નીચે પડી ગયો હતો. હાલમાં 11 લોકો ઘાયલ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તમામને નાની મોટી ઈજાઓ થઈ છે. ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

રથયાત્રા કોઈપણ અવરોધ વિના આગળ વધી રહી છે

એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઘટના ત્યારે બની જ્યારે રથયાત્રા દરમિયાન ટ્રક દ્વારા આસપાસના લોકોને પ્રસાદ વહેંચવામાં આવી રહ્યો હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે જ્યારે લોકો પ્રસાદ લેવા માટે નીચે આવ્યા ત્યારે બાલ્કની પડી અને ઘણા લોકો તેની ઝપેટમાં આવી ગયા. જો કે રથયાત્રા કોઈપણ અવરોધ વિના આગળ વધી રહી છે.

Back to top button