અમદાવાદઃ બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લે શોમાં 1.25 લાખ લોકો આવશે; છાપરાવાળી રુમો ધડાધડ બુક કરાઇ; 150 કિમી સુધીની 15000 રૂમો બુક
23 જાન્યુઆરી 2025 અમદાવાદ; નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવનારી 25 અને 26 જાન્યુઆરીએ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ એવી બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેનો કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે. આ કોન્સેપ્ટ જોવા માટે ગુજરાત રાજ્ય સહિત દેશ વિદેશમાંથી લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ક્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસનાં છાપરાવાળા મકાનો પણ બેથી ત્રણ ગણા ભાડા સાથે બુક કરાવવામાં આવી રહ્યા છે. તેમના બે દિવસ સુધીના રહેવા, ખાવા, નાહવા સહિતની તમામ સુવિધાઓ મકાનના માલિકો હોટલો કરતાં ઓછા ભાવમાં કરી રહ્યા છે. હાલ આ છાપરાવાળી રૂમોના પણ 2000થી 5000 રૂપિયા સુધીનો એક દિવસનો ચાર્જ લેવાઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ પાસેના કુલ 150 કિલોમીટર સુધીના વિસ્તારની તમામ હોટલો હાઉસફુલ થઈ ગઈ છે અને ભાડાઓ ત્રણ ગણા વધીને 50,000 થી 80,000 સુધી પહોંચ્યા છે.
છાપરાવાળા મકાનોમાં રહેવા માટે લોકોની ભીડ
મળતી માહિતી મુજબ અમદાવાદ વડોદરા સહિતના વિસ્તારોમાં પણ દેશ વિદેશના લોકોએ પોતાની હોટલો બુક કરી છે. જ્યાં હોટલોના માલિકો દ્વારા સામાન્ય ભાડા કરતાં ત્રણ ગણો વધારો કરી દેવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના છાપરાવાળા મકાનોમાં રોજના મોટી સંખ્યામાં લોકો રહેવા માટે પૂછપરછ કરી રહ્યા છે. જેના કારણે તે વિસ્તારના મકાન માલિકો પોતાની પાસે રહેલી એક કે બે રૂમો પણ આ બે દિવસો માટે ઊંચા ભાડે આપી રહ્યા છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમના વિસ્તારના લોકો ખુશ
પ્રાપ્ત વિગતો અનુસાર કોલ્ડ પ્લે કોન્સર્ટ માટે અમદાવાદ વડોદરાની સાથે નડિયાદ આણંદ ખેડાની હોટલો પણ હાઉસફુલ જોવા મળી રહી છે. હાલ સમગ્ર રાજ્યમાં લગ્નની સિઝન ચાલી રહી છે. ઉપરથી બ્રિટિશ કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાવાથી હોટલ અને ટુરીઝમને વિકાસનો સારો એવો વેગ મળી રહ્યો છે. ખાસ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના લોકો આવા આયોજનોને કારણે વધારે ખુશ જોવા મળી રહ્યા છે અને તેઓ પોતાના મકાનમાં એક કે બે રૂમ વધારે બનાવીને હવે ભાડે આપી રહ્યા છે.