T-20 વર્લ્ડ કપT20 વર્લ્ડકપવિશેષસ્પોર્ટસ

‘પોતાની જાતને મહાન ગણે છે ને? તો વર્લ્ડ કપ જીતી બતાવ!’ પૂર્વ સાથી ખેલાડીની બાબરને ચેલેન્જ

5 જૂન, લાહોર: પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમ સતત ટીકાઓનો સામનો કરતો રહે છે. કોઈક વખત તેની ઓછી સ્ટ્રાઈક રેટ પર તો કોઈક વખત તેના મિત્રોને ટીમમાં વધુ ચાન્સ આપવા બદલ. હવે એક પૂર્વ પાકિસ્તાની ખેલાડી અને બાબરના જ પૂર્વ સાથી ખેલાડી અહમદ શેહઝાદે બાબરને ચેલેન્જ આપી છે.

પાકિસ્તાનના જીઓ ટીવી પર વર્લ્ડ કપ માટે ખાસ ચાલી રહેલા કાર્યક્રમમાં જ્યારે અહમદ શેહઝાદને શું બાબર આઝમ ટીમમાં ખેલાડીઓની પસંદગી બાબતે પક્ષપાત કરે છે તે પ્રકારનો પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે અહમદ શેહઝાદ રીતસર ઉકળી ગયો હતો.

તેને કહ્યું હતું કે, ‘હા જો હું બાબર વિશે કહું તો ટીમમાં દોસ્તી-યારી જબરદસ્ત ચાલે છે. બાબર પોતાના ગમતા ખેલાડીઓને લંબા સમય સુધી તક આપે છે. આ સારું નથી. જો હું મેચોની સંખ્યા વિશે તમને કહું તો એવા અસંખ્ય પાકિસ્તાની ખેલાડીઓ હશે જેમને આટલો લાંબો સમય તક મળી નથી. જો (બાબરની જગ્યાએ) કોઈ અન્ય કપ્તાન હોત તો કોઇપણ નિષ્ફળ અથવાતો અસાતત્યપૂર્ણ  દેખાવ કરનાર ખેલાડીને 35-40 મેચો રમાડવામાં આવત નહીં. બાબરે જાતે આ અંગે વિચારવાની જરૂર છે.’

પાકિસ્તાન કેમ ICC ટુર્નામેન્ટ જીતી શકતું નથી તેવા હોસ્ટના સવાલના જવાબમાં શાહઝાદે કહ્યું હતું કે, ‘આપણે ક્રિકેટ દ્વિપક્ષીય સિરીઝ જીતવા માટે નહીં પરંતુ ICC ટુર્નામેન્ટ જીતવા માટે રમવું જોઈએ. છેલ્લા પાંચ વર્ષમાં આપણે એક પણ ICC ઇવેન્ટ જીતી છે? ના. આની પાછળનું કારણ જો હું કહું તો તે છે કે આપણી નેશનલ ટીમમાં ગેંગ અને દોસ્તી-યારીનું કલ્ચર છે. એટલું જ નહીં એક એજન્ટનું પ્રભુત્વ છે જે છેલ્લા પાંચ વર્ષથી આપણા ક્રિકેટને ચલાવી રહ્યો છે.’

ત્યારબાદ અહમદ શેહઝાદે બાબરને ચેલેન્જ ફેંકી હતી કે જો તે પોતાની જાતને મહાન ખેલાડી સમજે છે તો હાલમાં ચાલી રહેલા ICC T20 World Cupને જીતી બતાવે.

 

અહમદ શેહઝાદના આ ગુસ્સા પાછળ બે કારણ છે. પહેલું કારણ એ છે કે તે પોતે બાબર આઝમના રાજકારણનો ભોગ બન્યો હોવાનું ઘણા પાકિસ્તાની ક્રિકેટ પંડિતો અને પત્રકારો કહી રહ્યા છે. આ ઉપરાંત બાબર આઝમ અને તેના ગમતા ખેલાડીઓને પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ ખૂબ તક આપે છે.

છેલ્લે ભારતમાં રમાયેલા પચાસ ઓવર્સના વર્લ્ડ કપમાં શરમજનક પ્રદર્શન કર્યા બાદ બાબરને ફક્ત એક સિરીઝ માટે કપ્તાનીથી હટાવીને ફરીથી ટીમનો કેપ્ટન બનાવી દેવામાં આવ્યો હતો. આ નિર્ણયથી ફક્ત અહમદ શેહઝાદ જ નહીં પરંતુ અસંખ્ય પાકિસ્તાની ફેન્સ રોષમાં છે.

Back to top button