અહેમદ પટેલના પુત્રી મુમતાઝે અનંત પટેલની કરી મુલાકાત, હુમલાના 72 કલાક બાદ પણ આરોપીઓ ન પકડાતા સમર્થકોએ કર્યો હાઇવે ચક્કાજામ
નવસારી: વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા હુમલા બાદ તેઓ વાંસદાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેમને મળવા કોંગ્રેસના નેતા અને આગેવાનો વાંસદા પહોંચી રહ્યા છે. ત્યારે આજે કોંગ્રેસના દિગજ્જ નેતા સ્વ. અહમદ પટેલની દીકરી મુમતાઝ પટેલે વાંસદા ખાતે અનંત પટેલની મુલાકત લીધી હતી.
સ્ફુર્તિ જોઈ લાગ્યું કે અનંત પટેલ લડાયક મૂડમાં છે
અનંત પટેલ ઉપર થયેલા હુમલાને મુમતાઝ પટેલે દુઃખદ ગણાવ્યો હતો. તેઓએ જણાવ્યુ હતું કે એક ધારાસભ્ય પર હુમલો થાય તો આમ જનતાનું શું..? જ્યારે એમને મળ્યા બાદ એમની સ્ફુર્તિ જોઈ લાગ્યું કે અનંત પટેલ લડાયક મૂડમાં છે. સાથે જ 72 કલાક બાદ પણ આરોપીઓ ન પકડાતા દોષીઓ વહેલામાં વહેલા પકડાય, સાથે જ અનંત પટેલની સુરક્ષા અંગે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી.
અમિત શાહ ખબર પૂછતાં જાય એવી આશા વ્યક્ત કરી
હુમલાના 72 કલાક બાદ પણ આરોપીઓ ન પકડાતા દોષીઓ વહેલામાં વહેલા પકડાય સાથે જ અનંત પટેલની સુરક્ષા સાથે જનતાની સુરક્ષા પર ધ્યાન આપવામાં આવે એવી આશા વ્યક્ત કરી હતી. જ્યારે અમિત શાહ કાલે વાંસદા આવી રહ્યા છે. તો અનંત પટેલને મળીને ખબર પૂછતાં જાય એવી આશા પણ વ્યક્ત કરી હતી. 8મી ઓક્ટોબરે ખેરગામ બજારમાં સાંજે અનંત પટેલ પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે તેમના સમર્થકોએ તાત્કાલિક આરોપીઓ પકડાય તેવી ઉગ્ર માગ કરી હતી. જેથી પોલીસે 72 કલાકનો સમય માંગ્યો હતો. આ ઘટનાના પ્રત્યાઘાતો સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. ત્યારે આરોપીઓ ક્યારે પકડાય તેના પર સમગ્ર આદિવાસી સમાજ સહિત કોંગ્રેસની નજર રહેલી છે. જેમાં અનંત પટેલના સમર્થકોએ વિરોધમાં વિવિધ વિસ્તારના હાઇવે પર ચક્કાજામ કર્યા છે.