ટોપ ન્યૂઝસ્પોર્ટસ

બાંગ્લાદેશ વિરૂદ્ધ મેચ પહેલા જ ટીમ ઈન્ડિયાને ઝાટકો, આ ફાસ્ટ બોલર ઈજાગ્રસ્ત થતાં વનડે સીરીઝમાંથી બહાર

ઢાકાઃ ભારતીય ક્રિકેટ ટીમ હાલ બાંગ્લાદેશ ટૂર પર છે. ટીમ ઈન્ડિયા રવિવારથી બાંગ્લાદેશ વિરૂદ્ધ ત્રણ મેચની વનડે સીરીઝ રમશે. આ શ્રેણી શરૂ થાય તે પહેલાં જ ટીમ ઈન્ડિયાને મોટો ઝાટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના હાથમાં ઈજા થવાથી તે બાંગ્લાદેશ વિરૂદ્ધ વનડે સીરીઝ નહીં રમે. જો કે BCCI તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. તેમજ શમીના રિપ્લેસમેન્ટની પણ કોઈ જાહેરાત થઈ નથી.

ટેસ્ટ સીરીઝની ટીમમાં શમી સામેલ
ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ શમીના હાથમાં ઈજા થઈ છે અને તે ત્રણ મેચ નહીં રમી શકે. શમીને બાંગ્લાદેશ વિરૂદ્ધ બે મેચની ટેસ્ટ સીરીઝ માટે સામેલ કરવામાં આવ્યો છે. બુમરાહની ગેરહાજરીમાં શમી વનડે સીરીઝમાં ભારતીય પેસ એટેકનું નેતૃત્વ કરવાનો હતો. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પહેલી વનડે રવિવારે ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાશે.

ન્યૂઝીલેન્ડ ટૂરમાં આરામ અપાયો હતો
આ પહેલાં શમીને રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલ જેવાં સીનિયર ખેલાડીઓની સાથે ન્યૂઝીલેન્ડ ટૂરમાં આરામ આપવામાં આવ્યો હતો. શમી ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયામાં સામેલ હતો. જો કે તે ટૂર્નામેન્ટમાં તે ખાસ કંઈ પ્રદર્શન આપી શક્યો ન હતો.

બાંગ્લાદેશ વિરૂદ્ધની વનડે સીરીઝમાં શમી ઉપરાંત ચાર ફાસ્ટ બોલર સામેલ છે. જેમાં શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાઝ, દીપક ચાહર અને કુલદીપ સેન છે. ત્યારે BCCI દ્વારા શમીના રિપ્લેસમેન્ટની જાહેરાત થાય તેવી શક્યતા ઘણી જ ઓછી છે. જો શમીની ઈજા ગંભીર હશે તો ટેસ્ટ મેચની સીરીઝ માટે કોઈ ફાસ્ટ બોલરને જગ્યા આપવામાં આવશે.

બાંગ્લાદેશ વિરૂદ્ધ વનડે સીરીઝ માટે ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા(કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શાહબાઝ અહમદ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાઝ, દીપક ચાહર, કુલદીપ સેન, મોહમ્મદ શમી (હાલ ઈજાગ્રસ્ત થવાને કારણે બહાર)

બાંગ્લાદેશ વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝ માટે ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા(કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋષભ પંત (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાઝ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ

ભારતનું બાંગ્લાદેશ ટૂર દરમિયાન શેડ્યૂલ

તારીખ મેચ જગ્યા
4 ડિસેમ્બર પહેલી વનડે ઢાકા
7 ડિસેમ્બર બીજી વનડે ઢાકા
10 ડિસેમ્બર ત્રીજી વનડે ઢાકા
14-18 ડિસેમ્બર પહેલી ટેસ્ટ ચટગાંવ
22-26 ડિસેમ્બર બીજી ટેસ્ટ ઢાકા

 

Back to top button