ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ IPL પહેલા પ્રેક્ટિસ માટે ચેપોક સ્ટેડિયમ પહોંચી ચૂકી છે. ફ્રેન્ચાઈઝીના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પ્રેક્ટિસ અને ટીમ સાથે મસ્તીના કેટલાક વીડિયો વાઇરલ થઈ રહ્યા છે. વીડિયોમાં ધોની ચેપોક સ્ટેડિયમમાં ફ્લેમ ટોર્ચથી ખુરશીઓને પોલિશ કરી રહ્યા છે. ચેન્નઈની ટીમ 3 માર્ચે પ્રેક્ટિસ સેશન માટે ચેપોક પહોંચી છે. ચેન્નઈની પહેલી મેચ 31 માર્ચે ગુજરાત ટાઈટન્સ સાથે થશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ચેપોક એટલે કે હોમ ગ્રાઉન્ડ પર ચેન્નઈની પહેલી મેચ 3 એપ્રિલે લખનઉ સુપર જાયન્ટ્સ સાથે થશે.
કહેવાય છે કે ધોનીની આ અંતિમ IPL હોઈ શકે છે
ધોનીની આ અંતિમ IPL સિઝન હોઈ શકે છે. ગઈ સિઝનમાં એક મેચ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ નિવૃત્ત થવાના છે. તો ધોનીએ જવાબમાં કહ્યું કે હું જ્યારે પણ નિવૃત્તિ જાહેર કરીશ, તો મારા ઘરેલુ ફેન્સની વચ્ચે જાહેર કરીશ. આ વખતે CSK લીગની અંતિમ મેચ પોતાના હોમ ગ્રાઉન્ડ પર 14 મેના રોજ રમશે. ટીમે તેની છેલ્લી હોમ મેચ 7 મે 2019ના રોજ રમી હતી. આવી સ્થિતિમાં, એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ધોની તે મેચ પછી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે, જો કે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેમણે તેમની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ 2019માં વન-ડે વર્લ્ડ કપની સેમિફાઇનલ રમી હતી.
આ પણ વાંચો : IPL 2023ની સિઝન રોમાંચક રહેશે, આ 5 મોટા નિયમો લાગુ થશે