દિવાળી પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની વિરમગામને રૂ.640 કરોડના વિકાસ કાર્યોની ભેટ
વિરમગામ, 20 ઓક્ટોબર : દિવાળી પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિરમગામને રૂ.640 કરોડના વિકાસ કાર્યોની લોકોને ભેટ આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ વિકાસની રાજનીતિ દ્વારા દુનિયામાં દેશનું માન વધાર્યું છે. વડાપ્રધાનના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર પણ પ્રજાના પ્રશ્નો અને તેમની સમસ્યાઓના નિવારણ માટે સતત પ્રયાસરત છે. રાજ્યની વિકાસયાત્રા વિશે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યમાં રોજેરોજ વિકાસકાર્યો રૂપી અવિરત યાત્રા સતત ચાલતી જ રહે છે. રાજ્યમાં ક્યાંક ને ક્યાંક પ્રજાકીય કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત દ્વારા રાજ્ય સરકાર સતત પ્રજાની સુખાકારી માટે કામગીરી કરી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ વિશે વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા લાંબા ગાળાનું વિચાર્યું છે. રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ 2003માં તેમણે રાજ્યમાં ઉદ્યોગ-ધંધા અને રોજગાર ક્ષેત્રના વિકાસ માટે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવી હતી. આજે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દુનિયાભરમાં જાણીતી છે. આજે અમદાવાદ જિલ્લામાં વેપાર-ધંધા અને ઉદ્યોગોનો વિકાસ ઉડીને આંખે વળગે છે.
અમદાવાદના સાણંદ અને ધોલેરામાં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીનો વિકાસ તેજ ગતિથી આગળ વધી રહ્યો છે. દેશના દરેક વડાપ્રધાને સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીને ભારતમાં લાવવા માટે પ્રયત્નો કર્યા હતા, પણ સફળતા માત્ર નરેન્દ્રભાઈને જ મળી છે. એ જ રીતે, દેશમાં ગ્રીન એનર્જી સેક્ટરના વિકાસ માટે પણ મહત્વની કામગીરી થઈ રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં શરૂ કરવામાં આવેલા વિવિધ વિકાસ પ્રકલ્પો અને અભિયાનો વિશે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આજે દેશ દરેક ક્ષેત્રે આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યો છે અને ગુજરાતનું તેમાં મહત્વનું યોગદાન રહ્યું છે.