અમદાવાદકૃષિખેતીગુજરાત

રાજ્યમાં કૃષિ ક્ષેત્રે સ્થપાતા ઉદ્યોગોને મળ્યું પ્રોત્સાહન: 480થી વધુ એકમોને મળી 328 કરોડથી વધુની સહાય

અમદાવાદ, 2 ડિસેમ્બર 2023, ગુજરાત રાજ્ય આજે કૃષિ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. કૃષિ વિષયક ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સતત વિકાસ થતા રાજ્યમાં કૃષિ ઉદ્યોગની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યમાં કૃષિ ક્ષેત્રે સ્થપાતા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા “સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ” અમલમાં મૂકવામાં આવી હતી. આ નીતિ હેઠળ અત્યાર સુધીમાં 480થી વધુ કૃષિ ઉદ્યોગ એકમોને 328 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. ચાલુ વર્ષે પણ કૃષિ ઉદ્યોગકારોની લાગણીને વાચા આપીને આ યોજના માટે બજેટમાં 200 કરોડની જોગવાઈ કરાઈ છે.

ગુજરાતમાં ઇસબગુલનું સૌથી વધુ ઉત્પાદન
રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલી વિવિધ પહેલો ઉપરાંત બાગાયત અને ઔષધીય પાકો માટેની પ્રોત્સાહક નીતિઓના પરિણામે આજે ગુજરાતમાં બાગાયતી અને ઔષધીય પાકોના વાવેતર અને ઉત્પાદનમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કૃષિ ઉત્પાદનોના પ્રોસેસિંગ અને નિકાસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.
દેશમાં ઔષધીય પાકોમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો પાક ઈસબગુલ અને વૈશ્વિક સ્તરે પણ ઇસબગુલનો સૌથી મોટો ઉત્પાદક દેશ ભારત છે. જેમાં ગુજરાતનું યોગદાન સૌથી મહત્વપૂર્ણ છે. દેશમાં રાજસ્થાન તથા ગુજરાતમાં ઇસબગુલનું સૌથી વધુ ઉત્પાદન થાય છે, પરંતુ દેશના કુલ ઉત્પાદનનું આશરે 90 ટકા પ્રોસેસિંગ ગુજરાતમાં કરવામાં આવે છે.

ઇસબગુલની 93 ટકા નિકાસ વિશ્વભરમાં કરાય છે
ભારતમાં ઉત્પાદિત થતા કુલ ઇસબગુલની 93 ટકા નિકાસ વિશ્વભરમાં કરવામાં આવે છે અને સૌથી મોટો ખરીદદાર દેશ અમેરિકા છે. વૈશ્વિક સ્તરે ઇસબગુલ ભારે માંગમાં છે, ત્યારે ગુજરાતમાં ઈસબગુલના ઉત્પાદનમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ઇસબગુલનું ઉત્પાદન બમણું થયું છે. વર્ષ 2018-19માં રાજ્યમાં ઇસબગુલનો કુલ વાવેતર વિસ્તાર 6754 હેક્ટર અને કુલ ઉત્પાદન 6817 મેટ્રિક ટન હતું. જેની સામે વર્ષ 2022-23માં ઇસબગુલનો કુલ વાવેતર વિસ્તાર 13300 હેક્ટર અને કુલ ઉત્પાદન 12952 મેટ્રિક ટન થયું છે.

ગુજરાતમાં અન્ય ઉદ્યોગો સાથે કૃષિ ઉદ્યોગોનો પણ વિકાસ થશે
ગુજરાત કૃષિ યુનિવર્સિટીએ વિકસાવેલી ઇસબગુલની સુધારેલી જાતોથી તેના ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો છે. ગુજરાત ઈસબગુલ-1,2, ગુજરાત ઈસબગુલ–૩ અને 4 જાતોનું ઉત્પાદન 1000 કિ.ગ્રા. પ્રતિ હેકટર સુધી જોવા મળ્યું છે. ગુજરાતમાં ઇસબગુલના કુલ ઉત્પાદનનું 99 ટકા ઉત્પાદન કચ્છ, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે. ઈસબગુલનું ઉત્પાદન વધતા ગુજરાતમાં ઇસબગુલ પાક સાથે સંકળાયેલા વિવિધ કૃષિ ઉદ્યોગો સ્થપાશે તેવો કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે સાથે એમ પણ કહ્યું હતું કે,ગુજરાતમાં અન્ય ઉદ્યોગો સાથે કૃષિ ઉદ્યોગોનો પણ વિકાસ થશે, તો સાચા અર્થમાં રાજ્યના ખેડૂતોની આવકમાં વધારો થશે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં પાંચમી ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્સપોર્ટર્સ કોન્ફરન્સને સંબોધિત કરશે

Back to top button