અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

રાજનીતિ ચર્ચાએ ચઢીઃ કૃષિમંત્રી રાઘવજી અમિત શાહને મળ્યા, આજે રાત્રે મુખ્યમંત્રી દિલ્હી જશે

અમદાવાદ, 26 જુલાઈ 2024, ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ ભાજપના પ્રદેશ પ્રમુખનો કાર્યકાળ પૂર્ણ થતો હોવાથી નવા પ્રમુખ કોણ બનશે તેના માટે અનેક નામોની અટકળો શરૂ થઈ ગઈ છે. ત્યારે તાજેતરમાં પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાને મળ્યા હતાં. હવે ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલે અમિત શાહ સાથે મુલાકાત કરતાં રાજકારણમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. એવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને દિલ્હીથી તેડું આવ્યું છે તેઓ આજે રાત્રે દિલ્હી જવા રવાના થશે.

નીતિ આયોગની બેઠકમાં ભાગ લેવા મુખ્યમંત્રી દિલ્હી જશે
દિલ્હીમાં આવતીકાલે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક યોજાવાની છે. જેમાં તમામ રાજ્યના મુખ્યમંત્રીઓને બેઠકમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. દેશની સામાન્ય જનતા સાથે જોડાયેલા મુદ્દા પર નીતિ આયોગમાં ચર્ચા થાય છે. આ બેઠકમાં ભાગ લેવા માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે રાત્રે દિલ્હી જવા રવાના થશે. આ બેઠક બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુદ્દાઓને લઈને વડાપ્રધાન મોદી અને અમિત શાહ સાથે ચર્ચા કરી શકે છે.

રાઘવજી પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી
ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે દિલ્હી ખાતે મુલાકાત કરતા રાજકીય ચર્ચાએ વેગ પકડ્યો છે.બીજી તરફ અનેક નેતાઓના દિલ્હીના આંટા ફેરા કરી રહ્યાં છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે, જે મુલાકાતને કેટલાક રાજકીય સૂત્રો શુભેચ્છા મુલાકાત કહી રહ્યાં છે. ગુજરાત ભાજપના નવા સુકાનીને લઈને હાલ કોંકડું ગુંચવાયેલું છે. રાજ્યના મુખ્યમંત્રી પટેલ હોવાથી પ્રદેશ પ્રમુખ માટે પાટીદાર સમાજ સિવાયનો ચહેરો પ્રથમ પસંદગી બને તેવું ભાજપના સૂત્રો જણાવી રહ્યા છે. ગુજરાતની ઓબીસી સમાજની વૉટબેંકને ધ્યાને લઈને પ્રદેશ પ્રમુખ માટે પાર્ટીની પહેલી પસંદ ઓબીસી ચહેરો હોઈ શકે છે.

Back to top button