અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

7.15 લાખથી વધુ ખેડૂતોને કરોડોની સહાય! ગુજરાત સરકારે પોતાનું વચન પાળ્યું

  • રાજ્ય સરકાર દ્વારા ગત જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર માસમાં થયેલા ભારે વરસાદમાં અસરગ્રસ્ત ખેડૂતોને માત્ર દોઢ મહિનામાં જ સહાય ચૂકવવામાં આવી

ગાંધીનગર, 19 ડિસેમ્બર, 2024: ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોને આપેલું વચન પાળ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ગત જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર માસમાં થયેલા ભારે વરસાદમાં અસરગ્રસ્ત ખેડૂતોને માત્ર દોઢ મહિનામાં જ સહાય ચૂકવવામાં આવી છે તેમ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે.  વર્ષ 2024-25ના બંને કૃષિ રાહત પેકેજ મળીને રાજ્યના 7.15 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને કુલ રૂપિયા 1372 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે તેમજ રાજ્ય સરકાર દ્વારા પાક નુકશાન માટે છેલ્લા પાંચ વર્ષમાં (2020થી 2024-25) રાજ્યના 38.98  લાખથી વધુ ખેડૂતોને રૂપિયા 6204 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે.

અન્નદાતાની ઉન્નતિ એ હરહંમેશથી ગુજરાત સરકારનો મુખ્ય નિર્ધાર: કૃષિ મંત્રી

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, અન્નદાતાની ઉન્નતિ એ હરહંમેશથી ગુજરાત સરકારનો મુખ્ય નિર્ધાર રહ્યો છે. ખેડૂતોની આવકમાં વધારો થાય, તેઓ સમૃદ્ધ અને આત્મનિર્ભર બને તેવા શુભ આશયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેકવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકીને ખેડૂતો પ્રત્યે સરકારની દ્રઢ પ્રતિબધ્ધતા દર્શાવી છે. વડાપ્રધાને શરૂ કરેલા આ અનુક્રમને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે મક્કમતા પૂર્વક જાળવી રાખ્યો છે.

રાજ્ય સરકારે ખેડૂતોને આપેલું વચન પૂર્ણ કર્યું

કૃષિ મંત્રીએ વધુમાં કહ્યું કે, રાજ્યના ખેડૂતો ઉપર આવતી કોઈપણ સમસ્યામાં સરકાર તેમની પડખે ઊભી છે, તેવો દ્રઢ વિશ્વાસ રાજ્યના ખેડૂતોમાં કેળવાયો છે. ચાલુ વર્ષે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વરસેલા ભારે વરસાદમાં રાજ્યના અનેક ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન થયું હતું. આવા કપરા સમયે ખેડૂતોની સંવેદના સમજીને રાજ્ય સરકારે તાત્કાલિક સર્વે કરીને અસરગ્રસ્ત ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આનંદ વ્યક્ત કરતા કહ્યું કે, કૃષિ રાહત પેકેજ જાહેર કર્યા બાદ રાજ્ય સરકારે અસરગ્રસ્ત ખેડૂતો ફરી વાવેતર કરી શકે તે માટે તાત્કાલિક ધોરણે સહાય ચૂકવણા કરવાનું વચન આપ્યું હતું. આજે ગુજરાત સરકારે ખેડૂતોને આપેલા એ વચનને પરિપૂર્ણ કર્યું છે. માત્ર દોઢ મહિનાના સમયગાળામાં જ રાજ્યના આશરે 7.15 લાખથી વધુ ખેડૂતોને કુલ રૂપિયા 1372 કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવી દેવામાં આવી છે.

અસરગ્રસ્ત જિલ્લાઓ માટે ખાસ કૃષિ રાહત પેકેજ જાહેર

કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે, ગત જુલાઈ મહિનામાં થયેલા ભારે વરસાદમાં જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવા માટે કૃષિ રાહત પેકેજ જાહેર કરીને તારીખ 30 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર દરમિયાન ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં મળેલી અરજીઓ પૈકી 1.22 લાખથી વધુ ખેડૂતોને નિયમો અનુસાર મળવાપાત્ર સહાય ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા વધારાની રૂ. 42.85 કરોડની સહાયને મળીને કુલ રૂ.187.37 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.

આ ઉપરાંત ગત ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન થયેલા ભારે વરસાદમાં પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, તાપી, કચ્છ, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરુચ, જૂનાગઢ, સુરત, પાટણ અને છોટા ઉદેપુરને મળી કુલ 20 અસરગ્રસ્ત જિલ્લાઓ માટે પણ ખાસ કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું.

ખેડૂતોનો સરકાર પ્રત્યે વિશ્વાસ વધુ દ્રઢ બન્યો

રાજ્ય કૃષિ મંત્રી રાઘવજી પટેલે વધુમાં કહ્યું કે, ખાસ કૃષિ રાહત પેકેજ માટે ઉપરોક્ત જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો પાસેથી પણ તારીખ 25 ઓકટોબરથી 10 નવેમ્બર સુધી અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં મળેલી અરજીઓ પૈકી 5.93 લાખથી વધુ ખેડૂતોને પણ નિયમો અનુસાર મળવાપાત્ર સહાય ઉપરાંત વધારાની રૂપિયા 271.15 કરોડની સહાય મળીને કુલ રૂપિયા 1184.66 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. માત્ર દોઢ મહિનામાં જ સહાય સીધી બેંક ખાતામાં જમા થતા ખેડૂતોનો સરકાર પ્રત્યે વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે.

આ પણ જૂઓ: ગુજરાતનું ગૌરવઃ સુપ્રસિદ્ધ લેખિકા હિમાંશી શેલતને મળ્યો કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કાર

Back to top button