સાણંદમાં માઇક્રોન કંપનીના સેમિકન્ડક્ટર પ્લાન્ટની ગતિવિધિઓને ઝડપી બનાવવા એગ્રીમેન્ટ કરાયા
ગાંધીનગર, 6 ડિસેમ્બર 2023, સેમિકન્ડક્ટર સેક્ટરની અગ્રગણ્ય માઇક્રોન કંપનીના સાણંદ સેમિકન્ડક્ટર પ્લાન્ટની ગતિવિધિઓને વધુ ઝડપી બનાવવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ટ્રસ્ટ એન્ડ રિટેન્શન એગ્રીમેન્ટ કરવામાં આવ્યા હતા. આ એગ્રીમેન્ટ અંતર્ગત માઇક્રોનને પ્લાન્ટ કાર્યરત કરવા જરૂરી સહયોગ તેમજ નાણાં સહાય અને કેન્દ્ર-રાજ્ય સરકાર સાથેના વિભાગોની પ્રક્રિયાઓ સમયસર પૂર્ણ કરવામાં ગુજરાત સરકારનો સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ, ભારત સરકારનું ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન તથા ICICI બેંક સહાયક બનશે.
સાણંદમાં નિર્માણાધીન પ્લાન્ટ સિંગાપોરની પેટર્ન સાથે કાર્યરત થશે
મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, માઇક્રોનનો આ સેમિકન્ડક્ટર ઉત્પાદન પ્રોજેક્ટ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત અને ‘મેઇક ઇન ઇન્ડિયા, મેઇડ ફોર ધ વર્લ્ડ’ ના સંકલ્પને સાકાર કરીને વિકસિત ભારત@૨૦૪૭માં ગુજરાતને સેમિકન્ડક્ટરનું હબ અવશ્ય બનાવશે. તેમણે સાણંદમાં ૨૨ હજાર કરોડ રૂપિયાના ખર્ચે ૯૩ એકર વિસ્તારમાં નિર્માણાધીન માઇક્રોન ફેસેલિટી દ્વારા વીસ હજાર જેટલું ડાયરેક્ટ-ઇન ડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ જનરેશન કરવાનું છે તેની પણ સરાહના કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, સાણંદમાં નિર્માણાધીન પ્લાન્ટ પણ સિંગાપોરની પેટર્ન અને હાઇટેકનોલોજી સાથે કાર્યરત થવાનો છે તેની માહિતી આ મુલાકાત દરમિયાન માઇક્રોને ગુજરાત ડેલીગેશનને આપી હતી.
ગુજરાતનો આ પ્રોજેક્ટ સમગ્ર વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર
કેન્દ્રીય રેલવેઝ અને IT મંત્રી અશ્વિની વૈષ્ણવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા માઇક્રોનને મળી રહેલા ત્વરિત પ્રતિસાદ માટે અભિનંદન પાઠવ્યા હતા. વૈષ્ણવે ઉમેર્યું કે, ગુજરાતનો આ પ્રોજેક્ટ સમગ્ર વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર અને ડબલ એન્જીન સરકારના ફાસ્ટ ઇમ્પ્લિમેન્ટેશનના ઉદાહરણ તરીકે શો-કેસ થઈ રહ્યો છે. કેન્દ્રીય મંત્રીએ માઇક્રોનના આ પ્રોજેક્ટને પગલે સેમિકન્ડક્ટર સેક્ટરમાં વધુ રોકાણ દરખાસ્તો આવશે તેવી અપેક્ષા પણ વ્યક્ત કરી હતી. માઇક્રોનના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ગુરુશરણ સિંહે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો પ્રો-એક્ટિવ એપ્રોચ ગુજરાતમાં પ્રોજેક્ટ ઝડપથી કાર્યરત કરવામાં ગતિ લાવશે તેવી લાગણી વ્યક્ત કરી સરકારના વિભાગો અને અધિકારીઓનો આભાર પ્રગટ કર્યો હતો.
આ પણ વાંચોઃ ગુજરાતના ખેડૂતો આનંદો: માવઠામાં નુકસાનનું સહાય ચૂકવવા અંગે નિર્ણય લેવાશે