મણિપુર હાઇકોર્ટના જે આદેશથી રાજ્યમાં હિંસા વકરી કોર્ટે તેને ફેરવી તોળ્યો, હવે મેઈતે સમુદાયને નહિ મળે STનો દરજ્જો
મણિપુર, 22 ફેબ્રુઆરી : મણિપુર હાઈકોર્ટે(Manipur High Court) મેઈતે સમુદાયને(meitei community) અનુસૂચિત જનજાતિ (ST)માં સામેલ કરવાના તેના 2023ના આદેશને રદ કર્યો છે. હાઈકોર્ટનું કહેવું છે કે આ નિર્ણયથી રાજ્યમાં વંશીય અશાંતિ વધી શકે છે. રાજ્યમાં ફાટી નીકળેલી જાતિય હિંસામાં અત્યાર સુધીમાં 200 થી વધુ લોકોના મોત થયા છે.
હાઈકોર્ટના આ નિર્ણય બાદ રાજ્યમાં ભારે વિરોધ થયો હતો. આ પછી, મેઇતે અરજદારો દ્વારા કોર્ટમાં સમીક્ષા અરજી દાખલ કરવામાં આવી હતી. આ સમીક્ષા અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે પોતાના નિર્ણયમાં સુધારો કર્યો છે. ગયા વર્ષે 27 માર્ચે હાઈકોર્ટે રાજ્ય સરકારને મેઈતે સમુદાયને અનુસૂચિત જનજાતિની શ્રેણીમાં સામેલ કરવા પર વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટના આ નિર્ણય બાદ ગત વર્ષે મે મહિનાથી રાજ્યમાં જાતિય હિંસા ફાટી નીકળી હતી.
મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં લગભગ 200 લોકોએ જીવ ગુમાવ્યા છે, ઘણા ઘાયલ થયા છે, અપરાધ ચરમસીમાએ પહોંચી ગયો છે. આશ્ચર્યની વાત એ છે કે આટલા મહિનાઓ પછી પણ તણાવ ઓછો થયો નથી, રોજેરોજ હિંસક ઘટનાઓ સામે આવી રહી છે. પોલીસ સાથે પણ તણાવ વધી ગયો છે અને સતત હુમલા જોવા મળી રહ્યા છે. હવે આ વાતને સમજીને હાઈકોર્ટે પોતાના જૂના આદેશમાં ફેરફાર કર્યો છે.