ગુજરાતદક્ષિણ ગુજરાત

વાપીમાં રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલા આધેડ પટકાયા અને ટ્રેન આવી, GRP જવાને જીવ બચાવ્યો

Text To Speech

વલસાડઃ વાપી રેલવે સ્ટેશન પર ગઈકાલે સાંજે ફિલ્મી સ્ટંટ જેવી ઘટના બની હતી. સ્ટેશન પર એક આધેડ ચાલતાં ચાલતાં ટ્રેક ક્રોસ કરતાં હતાં અને અચાનક નીચે પટકાયા હતાં. ત્યાં ટ્રેન આવી જતાં લોકોએ તેમને બચાવવા માટે બૂમાબૂમ કરી નાંખી હતી. એટલામાં પેટ્રોલિંગમાં રહેલી રેલવે પોલીસના એક કર્મચારીએ પોતાનો જીવ જોખમમાં મુકીને આધેડને સુરક્ષિત જગ્યાએ ખસેડી દીધા હતાં. આ ઘટના CCTVમાં પણ કેદ થઈ હતી. હાલમાં આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે.

સુરત-બાંદ્રા ટર્મિનસ ઈન્ટરસિટી ટ્રેન આવી રહી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે વાપી રેલવે સ્ટેશન ઉપર GRPની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન ગઈકાલે સાંજે પ્લેટફોર્મ નંબર 2નો રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલા એક આધેડ ટ્રેક ઉપર પટકાયા હતા. આ દરમિયાન સુરત -બાંદ્રા ટર્મિનસ ઇન્ટરસિટી ટ્રેન પણ પહોંચી હતી અને સહેજ દૂર હતી. એક બાજુ આધેડ પ્લેટફોર્મ પર નીચે પડેલા હતા અને બીજી બાજુ સામેથી સુરત-બાંદ્રા ટર્મિનસ ઈન્ટરસિટી ટ્રેન આવી રહી હતી. અન્ય યાત્રીઓએ આ આધેડને બચાવવા માટે બુમાબુમ કરી મુકી હતી.

GRP જવાનની બહાદુરી CCTVમાં કેદ થઈ
આ દરમિયાન GRP જવાન હીરાભાઈ મેરૂભાઈનું ધ્યાન જતાં જ તેઓ દોડીને આધેડની મદદ માટે પહોંચ્યા હતાં. તેમણે પોતાના જીવને જોખમમાં મૂકીને આધેડને રેલવે ટ્રેક ઉપરથી ખેંચીને સુરક્ષીત સ્થળે ખસેડ્યા હતાં. GRP જવાનની બહાદુરી વાપી રેલવે સ્ટેશને લાગેલા CCTVમાં કેદ થઈ હતી. આધેડનો જીવ બચાવતા વાપી રેલવે સ્ટેશને ઉભેલા રેલવે યાત્રીઓએ GRP જવાન હીરાભાઈ મેરુભાઈને તેમની કામગીરી બદલ અભિનંદન પાઠવ્યાં હતા.

આ પણ વાંચોઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ પોલીસ એકેડેમીઝની ૧૨મી કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો

Back to top button