ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ફરી વિપક્ષે સેંગોલનો મુદ્દો ઉખેળ્યો: સેંગોલને બદલે બંધારણ રાખવાની કોણે માંગ કરી?

  • 18મી લોકસભામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂનાં સંબોધન પહેલાં સેંગોલને લઈને મોટો વિવાદ થઈ ગયો

નવી દિલ્હી, 27 જૂન: 18મી લોકસભાની રચના બાદ આજે ગુરુવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ સંબોધન પહેલાં સેંગોલને લઈને મોટો વિવાદ શરૂ થઈ ગયો હતો. સમાજવાદી પાર્ટીના લોકસભા સાંસદ આર.કે. ચૌધરીએ માંગ કરી કે, સંસદમાં સેંગોલને હટાવીને ત્યાં બંધારણની નકલ મૂકવામાં આવે. સાંસદ તરીકે શપથ લીધા બાદ જ તેમણે પ્રો-ટેમ સ્પીકરને પત્ર લખીને કહ્યું કે, સેંગોલ રાજાઓ અને સમ્રાટોનું પ્રતીક છે, તેથી તેને હટાવી દેવો જોઈએ. સંસદ ભવનના ઉદ્ઘાટન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સ્પીકરની ખુરશીની પાસે સેંગોલ લગાવવામાં આવ્યું હતું, જેને હવે સપા સાંસદે હટાવવાની માંગ કરી છે.

 

આર.કે. ચૌધરી મોહનલાલગંજ સીટ પરથી સપાના સાંસદ છે. તેમણે કહ્યું કે, સંસદમાં સેંગોલની જગ્યાએ બંધારણની વિશાળ નકલ લગાવવી જોઈએ અને સાંસદ તરીકે શપથ લીધા બાદ ચૌધરીએ પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબને પત્ર લખ્યો હતો. જેમાં સ્પીકરની ખુરશીની બાજુમાં સેંગોલની હાજરી પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.

મને સેંગોલ જોઈને આશ્ચર્ય થયું: સાંસદ

પ્રોટેમ સ્પીકરને લખેલા પોતાના પત્રમાં સમાજવાદી પાર્ટીના સાંસદે કહ્યું કે, આજે મેં આ માનનીય ગૃહમાં શપથ લીધા છે કે હું કાયદા દ્વારા સ્થાપિત ભારતના બંધારણમાં સાચી શ્રદ્ધા અને નિષ્ઠા રાખીશ, પરંતુ મને જમણી બાજુ સેંગોલ જોઈને આશ્ચર્ય થયું. સાહેબ, આપણું બંધારણ ભારતની લોકશાહીનો પવિત્ર દસ્તાવેજ છે, જ્યારે સેંગોલ રાજાશાહીનું પ્રતીક છે.

સાંસદ આર.કે. ચૌધરીએ વધુમાં જણાવ્યું કે, આપણી સંસદ લોકશાહીનું મંદિર છે, કોઈ રાજા કે રાજવી પરિવારનો મહેલ નથી. હું વિનંતી કરવા માંગુ છું કે સેંગોલને સંસદ ભવનમાંથી હટાવી દેવામાં આવે અને તેની જગ્યાએ ભારતીય બંધારણની વિશાળ નકલ સ્થાપિત કરવામાં આવે.

નવી સંસદના ઉદ્દઘાટન દરમિયાન સેંગોલની સ્થાપના કરવામાં આવી હતી

મહત્ત્વપૂર્ણ છે કે, નવા સંસદ ભવનનું નિર્માણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સંસદ ભવનની અંદર સ્પીકરની ખુરશીની પાસે સેંગોલ સ્થાપિત કરવામાં આવ્યું હતું. સેંગોલ તમિલનાડુથી લાવવામાં આવ્યો હતો અને ખૂબ જ ધામધૂમથી સ્થાપિત કરવામાં આવ્યો હતો.

સેંગોલનો શું છે ઇતિહાસ?

જો સેંગોલના ઇતિહાસ વિશે વાત કરવામાં આવે તો તે સદીઓ જૂનો હોવાનું કહેવાય છે. તે ચોલ સામ્રાજ્ય સાથે સંબંધિત છે. ઈતિહાસકારોના મતે, ચોલ સામ્રાજ્યમાં રાજદંડ સેંગોલનો ઉપયોગ સત્તાના હસ્તાંતરણ માટે થતો હતો. ‘રાજદંડ’ સેંગોલ એ ભારતની આઝાદી સાથે સંકળાયેલું એક મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક પ્રતીક છે. જ્યારે અંગ્રેજોએ ભારતની આઝાદીની ઘોષણા કરી ત્યારે સેંગોલનો ઉપયોગ સત્તાના હસ્તાંતરણના પ્રતીક તરીકે થયો હતો.

લોર્ડ માઉન્ટબેટને નેહરુને 1947માં સત્તાના હસ્તાંતરણ અંગે એક પ્રશ્ન પૂછ્યો હતો કે, સત્તાનું હસ્તાંતહરણ કેવી રીતે કરવું જોઈએ? આ પછી જવાહરલાલ નહેરુએ સી રાજા ગોપાલચારીની સલાહ લીધી, તેમણે જવાહરલાલ નેહરુને સેંગોલ વિશે જાણ કરી. આ પછી, સેંગોલને તમિલનાડુથી લાવવામાં આવ્યો અને ‘રાજદંડ’ સેંગોલ સત્તાના સ્થાનાંતરણનું પ્રતીક બની ગયું.

આ પણ જુઓ: પેપર લીક મુદ્દે જ્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ વિપક્ષી સાંસદોને આ રીતે શાંત કર્યા…

Back to top button