ઉત્તર ગુજરાતગુજરાત

પ્રેમિકાના વિરહમાં ડીસાના યુવકે વીડિયો વાયરલ કર્યો બાદમાં એસીડ પીને જીવન ટૂંકાવ્યું

Text To Speech

પાલનપુર, 06 સપ્ટેમ્બર 2024, ડીસા તાલુકાના ભોયણ ગામના યુવકે પ્રેમના વિરહમાં એસીડ પીને જીવન ટૂંકાવી દીધું હતું. યુવકે સગીરા સાથે લગ્ન કર્યા હોય સગીરાને પાલનપુર નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવી છે. જેના વિરહમાં તેમજ યુવકને સગીરાને ભૂલી જવા બદલ ધમકીઓ આપવામાં આવતી હોવાથી એસિડ પી લીધુ હતું.ડીસા તાલુકા પોલીસે ગુનો નોંધી ધમકી આપનાર ચાર વ્યક્તિઓની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નારી સંરક્ષણ ગૃહમાં પોતાના પ્રેમને મળવાનો પ્રયાસ કરતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે ડીસા તાલુકાના ભોયણ ગામે રહેતા ભરત પરથીભાઈ લુહારને પોતાના સમાજની જ એક સગીરા સાથે આંખ મળી જતા લગ્ન કરવાના ઇરાદે તેને એક વર્ષ અગાઉ ભગાડીને લઈ ગયો હતો. ત્યારબાદ સગીરાના પરિવારજનોએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેને ઝડપી લીધા હતા. જેમાં યુવતી સગીર વયની હોવાથી તેને પાલનપુર નારી સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવી હતી. જ્યારે યુવકને જેલમાં ધકેલાયો હતો. ત્યારબાદ તે જામીન પર છુટતા અનેક વખત નારી સંરક્ષણ ગૃહમાં પોતાના પ્રેમને મળવાનો પ્રયાસ કરતો હતો.

એસિડ પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો
તેને સમાજના ચાર વ્યક્તિઓ દ્વારા વારંવાર ધમકીઓ મળતા તેમજ યુવતીને પણ મારી નાખવાની ધમકી આપવામાં આવતા આખરે કંટાળી ભરત લુહારે મોબાઇલમાં વીડિયો બનાવી પોતાની સમગ્ર આપવીતી જણાવી હતી. પોતાને ધમકી આપનાર લોકો સામે કડક કાર્યવાહી કરવા પણ વિનંતી કરી હતી. વીડિયો વાયરલ કર્યા બાદ તેણે એસિડ પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર માટે ડીસા સિવિલમાં લવાતા વધુ સારવાર માટે પાલનપુર રીફર કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

ધમકી આપનાર ચાર વ્યક્તિઓની અટકાયત
યુવક ભરત લુહારે વીડિયોમાં જણાવ્યું હતું કે, મારા સમાજના જ ચાર લોકો દ્વારા મને તેમજ મારા પ્રેમને મારી નાખવાની ધમકી આપતા હોવાથી તેમજ નારી સરક્ષણ ગૃહમાં એ દુઃખી થતી હોય તેમજ તેના જીવને જોખમ હોય મેં જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો છે.જે બાબતે ડીસા તાલુકા પોલીસે ગુનો નોંધી ધમકી આપનાર ચાર વ્યક્તિઓની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃભરકાવાડા પાસે બસમાં બેઠેલા આંગડિયા કર્મી પાસેથી દોઢ કિલો સોનાના દાગીનાની લૂંટ

Back to top button