અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

વડોદરા બાદ અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઃ તંત્ર દોડતુ થયુ

Text To Speech

અમદાવાદ, 24 જૂન 2024, તાજેતરમાં જ વડોદરા સહિત દેશના 15 જેટલા એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીભર્યો મેઈલ એરપોર્ટ ઓથોરિટીને મળ્યો હતો. આ ઘટનાના 6 દિવસ બાદ આજે અમદાવાદ એરપોર્ટને ફરી એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેને પગલે અમદાવાદ એરપોર્ટ ઉપર CISFની ડોગ સ્કવોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ પહેલા ગત 12 મે, 2024ના રોજ પણ અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.

વડોદરા એરપોર્ટ પર પણ બોમ્બની ધમકીના ઈમેલ મળ્યા હતા
ગત 18 જૂને વડોદરા એરપોર્ટ પર પણ બોમ્બની ધમકીના ઈમેલ મળ્યા હતા. ‘એરપોર્ટમાં એક બોમ્બ છે, જે બ્લાસ્ટ થઇ જશે’ એવો ધમકીભર્યા ઈમેલ મળતાં સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસ અને CISF દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એરપોર્ટમાં બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એરપોર્ટ પર કંઈ પણ શંકાસ્પદ ન મળતાં એજન્સીઓને હાશકારો થયો હતો.

અગાઉ પણ અમદાવાદ એરપોર્ટને ધમકી મળી હતી
ગત 12 મે 2024ના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. કોઇ અજાણ્યા ઈ-મેલ આઇડી પરથી અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેને લઇને એરપોર્ટ ઓથોરિટી દ્વારા ગ્રાઉન્ડ સ્ટાફ અને એરલાઇન્સ સ્ટાફને તમામ મુસાફરોનું સઘન ચેકિંગ કરવાની કડક સૂચના આપવામાં આવી હતી.પરંતુ ચેકિંગમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ હાથ લાગી ન હતી. તથા ઈ-મેલમાં પણ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો.

આ પણ વાંચોઃવડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એક કારમાંથી શંકાસ્પદ ડિવાઈસ મળ્યુ

Back to top button