મહારાષ્ટ્રમાં લવ જેહાદ પર કાયદો લાગુ કરવાની તૈયારી, શ્રદ્ધા મર્ડર કેસ બાદ લેવાયો નિર્ણય
ઉત્તર પ્રદેશ બાદ હવે મહારાષ્ટ્રમાં લવ જેહાદ કાયદો ટૂંક સમયમાં લાગુ થશે. મહારાષ્ટ્ર સરકારે આ કાયદો લાગુ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. લવ જેહાદ કાયદાનો પ્રસ્તાવ શિયાળુ સત્ર દરમિયાન વિધાનસભામાં લાવવામાં આવશે. જેના પાછળનું કારણ છે શ્રાદ્ધ મર્ડર કેસ કે જેના કારણે રાજ્યના લોકોમાં તાજેતરમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશની તર્જ પર સરકાર અહીં લવ જેહાદ કાયદો પસાર કરી શકે છે.
શ્રદ્ધાના પિતા ડેપ્યુટી સીએમને મળ્યા હતા
છેલ્લા ઘણા દિવસથી ચાલી રહેલ શ્રદ્ધા મર્ડર કેસને લઈને શ્રદ્ધા વાલકરના પિતા વિકાસ વાલકર સાંસદ ક્રિરીટ સૌમ્યા સાથે શુક્રવારે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી હતી. અહીં તેમણે પુત્રીના હત્યારા આફતાબ પૂનાવાલાને ફાસીની સજાની માંગ કરી હતી. શ્રદ્ધા હત્યા કેસને લઈને લોકોના ગુસ્સાને જોતા સરકારે લવ જેહાદ કાયદો લાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેની તૈયારી શિયાળુ સત્રમાં શરૂ કરવામાં આવશે.
દેશમાં ભાજપ શાસિત ચાર રાજ્યોમાં લવ જેહાદ કાયદો લાગુ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત સજા પણ આપવામાં આવી છે. આ કાયદો નવેમ્બર 2020 પહેલા હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં લાગુ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: શ્રદ્ધા મર્ડર કેસઃ આફતાબની જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ માટે લંબાવી
શ્રદ્ધા હત્યા કેસ બાદ લવ જેહાદ કાયદો ઘડવાની માંગ ઉઠી
જણાવી દઈએ કે શ્રદ્ધા મર્ડર કેસ છેલ્લા એક મહિનાથી દેશભરમાં ચર્ચામાં છે. આફતાબ પૂનાવાલાએ શ્રદ્ધા સાથે મિત્રતા કરી અને લિવ-ઈનમાં રહીને તેની હત્યાનો પ્લાન બનાવ્યો. આ પછી આરોપીઓએ તેના 35 ટુકડા કરી લાશનો નિકાલ કર્યો. આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને સતત તપાસ હાથ ધરી છે. બીજી તરફ શ્રદ્ધા વાલકરના પિતા વિકાસ વાલકરે પુત્રીને ન્યાય અપાવવાની અરજી કરી છે. ઘણા નેતાઓએ શ્રદ્ધાની હત્યાને લવ જેહાદ પણ ગણાવી છે. ત્યારથી રાજ્યમાં લવ જેહાદ કાયદો લાવવાની માંગ ઉઠી હતી.