ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

US પ્રમુખ બાઈડન બાદ UKના PM ઋષિ સુનક લેશે ઇઝરાયેલની મુલાકાત

  • ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 12 દિવસથી ચાલી રહ્યું છે યુદ્ધ
  • યુદ્ધ વચ્ચે બ્રિટિશ PM ઋષિ સુનક આજે લેશે ઇઝરાયલની મુલાકાત  
  • ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે કરશે વાતચીત 

ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને 12 દિવસ થઈ ચૂક્યા છે પરંતુ હજુ સુધી આ યુદ્ધનો કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે આ ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકી પ્રમુખ જો બાઈડન બુધવારે ઇઝરાયેલ પહોંચ્યા હતા. ત્યારબાદ હવે બ્રિટિશ પ્રધાનમંત્રી ઋષિ સુનક પણ ગુરૂવારે તેલ અવીવ પહોંચે તેવી શક્યતા છે. જ્યાં બ્રિટિશ પ્રધાનમંત્રી ઋષિ સુનક ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે વાતચીત કરશે.

 

ઈઝરાયેલ-હમાસ યુદ્ધના 12મા દિવસે સુધી ચારે બાજુથી કુલ 4976 લોકો માર્યા ગયા છે. આમાં કુલ 17,775 લોકો ઘાયલ થયા છે. ઈઝરાયેલમાં કુલ 1402 લોકોના મૃત્યુ થયા છે અને 4,475 લોકો ઘાયલ થયા છે. ગાઝામાં કુલ 3,488 લોકોના મૃત્યુ થયા છે. આ હુમલામાં 12 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. પશ્ચિમ કાંઠે 65 લોકોના મુત્યુ થયા છે અને 1300 લોકો ઘાયલ થયા છે. લેબનોનમાં 21 લોકોના મૃત્યુ થયા છે.

બ્રિટિશ વડાપ્રધાન ઇઝરાયેલ પર હમાસના આતંકવાદી હુમલાની કરશે નિંદા

અહેવાલો મુજબ, ઇઝરાયેલ પર આતંકવાદી હુમલા વચ્ચે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક ગુરુવારે તેલ અવીવ પહોંચશે. અહીં તેઓ ઇઝરાયેલ સાથે એકતા દર્શાવવા PM નેતન્યાહૂને મળશે અને 7 ઓક્ટોબરના હુમલાના પરિણામે ઇઝરાયેલ અને ગાઝામાં થયેલા જાનહાનિ બદલ શોક વ્યક્ત કરશે. બ્રિટિશ PMOના નિવેદન અનુસાર, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક ઇઝરાયેલ પર હમાસ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલાની નિંદા કરશે. આ સિવાય તેઓ છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલા યુદ્ધમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરશે.

 

અમેરિકાએ ઇરાનની બેલિસ્ટિક મિસાઇલો પર મૂક્યો પ્રતિબંધ

USના પ્રમુખ જો બાઈડનની ઈઝરાયેલ મુલાકાત બાદ ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકાએ ઈરાન પર નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે. જેમાં અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું છે કે, અમેરિકા ઈરાનની બેલેસ્ટિક મિસાઈલો અને યુએવી પર પ્રતિબંધ લાદી રહ્યું છે.

 

આ પણ વાંચો :જાપાનમાં યોજાયો વાયબ્રન્ટ ગુજરાત રોડ શો, ભારતીય રાજદૂત ઉપરાંત વિજય નેહરાએ કર્યું સંબોધન

Back to top button