મોરબી દુર્ઘટનાને ત્રણ દિવસ છતાં કંપનીના માલિક કે પરિવારજનો દ્વારા કોઈ સાંત્વના નહીં, ઉલટાનું આપ્યું આવું વિચિત્ર નિવેદન
મોરબીઃ મોરબીની હોનારતને ત્રણ દિવસ વીતી ગયા છે. હજી પણ મચ્છુ નદીમાં 135 લોકોની મરણચીસો ગુંજી રહી છે. આટઆટલા નિર્દોષ લોકોના મોત થયા હોવા છતાં પણ ઓરેવાના માલિક જયસુખ પટેલને જાણે કોઈ પસ્તાવો કે અફસોસ જ ન હોય તેવું લાગી રહ્યું છે. ઉલટાનું કોર્ટમાં બ્રિજનું રિનોવેશન કરનાર કંપનીએ કોર્ટમાં વિચિત્ર દલીલ કરી છે અને કહ્યું છે કે ભગવાનની કૃપા નહીં હોય, તેથી આ દુર્ઘટના બની છે.
અકસ્માતને લઈને ઓરેવા કંપનીનું કોર્ટમાં વિચિત્ર નિવેદન
મોરબી બ્રિજ અકસ્માત અંગે પુલનું રિનોવેશન કરનાર ઓરેવા કંપનીએ કોર્ટમાં નિવેદન આપ્યું હતું. ઓરેવાના મીડિયા મેનેજર દીપક પારેખે કોર્ટમાં કહ્યું હતું કે અમારા MD જયસુખ પટેલ સારી વ્યક્તિ છે. 2007માં પ્રકાશભાઈને કામ સોંપવામાં આવ્યું, કામ સારી રીતે પાર પડ્યું તેથી તેને ફરીથી કાર્ય સોંપવામાં આવ્યું. અમે પહેલાં રિપેરિંગ કામ કર્યું હતું. આ વખતે ભગવાનની કૃપા નહીં હોય, કદાચ તેથી જ આ દુર્ઘટના બની છે.
ઓરેવા કે જયસુખ પટેલ દ્વારા હજુ સુધી કોઈ જ પસ્તાવો કે શોક વ્યક્ત કર્યો નથી
મોરબી ઝુલતો પૂલ તૂટવાની ઘટનાને ત્રણ ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં પણ ઓરેવા કંપની કે કંપનીના માલિક જયસુખભાઈ પટેલ કે પછી પરિવારના સભ્યોમાંથી એક પણ વ્યક્તિ દ્વારા હજુ સુધી મીડિયા કે સોશિયલ મીડિયાના માધ્યમથી દુઃખ વ્યક્ત કર્યું નથી. આટલી મોટી ઘટના બની હોવા છતાં પણ એક પણ પરિવારની હજુ સુધી મુલાકાત નથી લીધી કે નથી હોસ્પિટલની મુલાકાત લીધી.
જયસુખ પટેલ હાલ ક્યાં છે તેની પણ કોઈને ખબર નથી. જ્યારથી આ ઘટના બની છે ત્યારથી તેઓ પોતાના ઘરે પણ નથી અને તેમની ઓફિસે જતા નથી. પરંતુ આટલી મોટી ઘટના બની છે છતાં પણ એક વખત પણ સોશિયલ મીડિયાના માધ્યમથી સાંત્વના પણ પાઠવવામાં આવી નથી કે પછી પોલીસ દ્વારા હજુ સુધી તેમની સામે ફરિયાદ પણ નોંધવામાં આવી નથી. એકવાર પણ પૂછપરછ કરવામાં આવી નથી.
ઓરેવા ગ્રુપ અને મોરબી કલેક્ટરનો પત્ર વાયરલ
મોરબી બ્રિજ દુર્ઘટના વચ્ચે ઓરેવા ગ્રુપ અને મોરબી કલેકટરની મીટીંગનો પત્ર વાયરલ થયો છે. આ પત્ર ઓરેવા ગ્રુપે મોરબી કલેક્ટરને બે વર્ષ પહેલા લખ્યો હતો. આ પત્ર કામચલાઉ સમારકામ કરીને પુલ શરૂ કરવા અંગે લખવામાં આવ્યો હતો. આ પત્રમાં ઓરેવા ગ્રૂપે લખ્યું છે કે જો માત્ર રિપેરિંગનું કામ જ કરવાનું હોય તો કંપની રિપેર માટે કોઈપણ પ્રકારની સામગ્રી કે સામાન મંગાવવાની નથી.
પત્રમાં ઓરેવા ગ્રૂપે લખ્યું છે કે જ્યાં સુધી કાયમી કરારની સમગ્ર પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી અમે હંગામી પુલ શરૂ કરીશું. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ અમે કાયમી સમારકામ શરૂ કરીશું. અંતમાં પત્રમાં લખ્યું છે કે, સાહેબ અમે કામચલાઉ સમારકામ કરીને કેબલ બ્રિજ શરૂ કરવાના છીએ, અમને ખાતરી છે કે આ બાબતો ટૂંક સમયમાં ઠીક થઈ જશે. હંગામી સમારકામ બાદ પુલને ફરીથી ખોલી શકાશે.
ઓરેવા ગ્રુપના માલિક સામે પણ ફરિયાદ નોંધવા લોકમાંગ ઉઠી
મોરબી પોલીસ દ્વારા ગઈકાલે જ નવ જેટલા આરોપીઓની ધરપકડ કરી અને ફરિયાદ નોંધવામાં આવી હતી. પરંતુ આ ફરિયાદ ઓરેવા ગ્રુપના મેનેજર, કોન્ટ્રાક્ટર, સિક્યુરિટી, કોન્ટ્રાક્ટર કંપની, ક્લાર્ક સહિતના અધિકારી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પરંતુ મુખ્ય કંપની ઓવેરા કંપનીના માલિક સુધી હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
જેમના કારણે લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સોશિયલ મીડિયામાં ઓવેરા ગ્રુપના માલિક સામે પણ ગુનો નોંધવાની માંગ ઉઠી છે. પરંતુ પોલીસ દ્વારા ઓરેવા ગ્રુપના માલિક સામે ફરિયાદ નોંધવી તો ત્યાં રહી પરંતુ હજી સુધી એક પણ વખત પૂછપરછ પણ કરવા માટે બોલાવવામાં આવ્યા નથી.
ઓરેવા ગ્રૂપનું વાર્ષિક 800 કરોડનો ટર્નઓવર છતાં કોઈ મદદ નહીં
અજંતા ક્લોકે મોરબીના ઘડિયાળ ઉદ્યોગનો દેશ-વિદેશમાં ડંકો વગાડ્યો છે. અજંતા ક્લોકના માલિક ઓધવજીભાઈ પટેલ 1971માં 15 હજારનું મૂડીરોકાણ કરીને આ કંપનીમાં સ્લિપિંગ પાટર્નર તરીકે જોડાયા હતા, તો ઓરેવાના MD જયસુખભાઈ પટેલે મોરબીના ઘડિયાળ ઉદ્યોગને વૈશ્વિક માર્કેટ પૂરું પાડ્યું છે.
આજે કંપનીનો 45 દેશોમાં બિઝનેસ વ્યાપેલો છે. કંપનીના 7000 કર્મચારીઓમાંથી 5000 મહિલાઓ છે. જ્યારે વાર્ષિક 800 કરોડનું ટર્નઓવર ધરાવે છે. છતાં પણ ઈજાગ્રસ્તો કે મૃતકો માટે હજી સુધી સહાય કે મદદની પણ જાહેરાત કંપની દ્વારા કરવામાં આવી નથી. પરિવારના સભ્યોને સાંત્વના પણ પાઠવી નથી.