ગોંડલમાં SMC ના દરોડા બાદ રેન્જ IG અશોકકુમાર યાદવ આકરા પાણીએ, જાણો શું આદેશ કર્યા ?
- કાલે રાત્રે ગુંદાળા ગામે દરોડો પાડી 46 લાખનો અંગ્રેજી દારૂ ઝડપી લેવાયો હતો
- દરોડાના ઘેરા પડઘા પડ્યા, પોલીસકર્મીઓની કરાઈ બદલી
- 12 પોલીસકર્મીઓની જિલ્લા બહાર બદલી થતા ખળભળાટ
ગોંડલ તાલુકામાં ગઈકાલે શુક્રવારે સાંજે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વધુ એકવાર દરોડો પાડી અંગ્રેજી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો હતો. આ દરોડાના ઘેરા પડઘા પડ્યા હતા અને રેન્જ આઈજી અશોકકુમાર યાદવ આકરા પાણીએ થઈ ગયા હતા. તેઓએ ઘટના બાદ બેદરકારી બદલ 12 પોલીસકર્મીઓની જિલ્લા બહાર બદલી કરવાનો હુકમ આપતા ખળભળાટ મચી ગયો છે.
રૂ.88 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો
આ અંગે મળતી માહિતી મુજબ, સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી નિર્લીપ્ત રાયને મળેલી માહિતીના આધારે ડીવાયેઅસપી કે.ટી. કામરીયાની આગેવાનીમાં પીએસઆઈ આઈ.એસ. રબારીની ટીમ ગઈકાલે ગોંડલના ગુંદાળા ગામે પાટીદળના રસ્તે આવેલ રિધ્ધી સિધ્ધી ગોડાઉનમાં ત્રાટકી હતી. પોલીસના દરોડામાં ગોડાઉનમાંથી જૂદી-જૂદી બ્રાંડનો વિદેશી દારૂ અને બીયરના ટીન મળી 14,336 બોટલ મળી આવતા 46,09,735નો દારૂ-બીયર તેમજ ટ્રક ટ્રેલર અને ટેમ્પો મળી કુલ રૂા.88,09,735નો મુદામાલ કબજે કર્યો હતો.
LCB ના 4 અને ગોંડલના 8 પોલીસ કર્મચારીની જિલ્લા બહાર બદલી
આ દરોડાને પગલે રેન્જ IG અશોકકુમાર યાદવએ આકરું પગલું ભરતા રૂરલ એલસીબીના 4 તેમજ ગોંડલના 8 સહિત 12 પોલીસકર્મીઓની જિલ્લા બહાર બદલી કરી નાખી છે. જેના પગલે હવે આવનારા દિવસોમાં અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.