રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સુરતમાં પડઘા, ગેમઝોન-મેળા બંધ થયા
- 16 ગેમ ઝોન, પ્લે ઝોન, મેળા અને સર્કસ બંધ
- સુરત શહેર પોલીસનું તંત્ર દોડતું થયું હતું
- આખરી રિપોર્ટ બાદ ગેમ ઝોન શરૂ થશે
રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ સુરતમાં કાર્યવાહી તેજ થઇ છે. જેમાં 10 ગેમ ઝોન, 6 પ્લે એરિયા, ચાર મેળા, એક સર્કસ બંધ કરાયું છે. આખરી રિપોર્ટ બાદ ગેમ ઝોન, મેળાને લીલીઝંડી અપાશે. રાજકોટના TRP ગેમઝોનમાં શનિવારે સર્જાયેલી કરુણાંતિકા બાદ સુરત મહાનગરપાલિકા અને સુરત શહેર પોલીસનું તંત્ર દોડતું થયું હતું. જેમાં નિયમ પાલનની સમીક્ષા સાથે જ 10 ગેમ ઝોન, 6 પ્લે એરિયા, ચાર મેળા, એક સર્કસ અને એક જાદુગરનો શો બંધ કરી દેવાયા છે.
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડને લઈ મોટી કાર્યવાહી, 6 અધિકારીને સસ્પેન્ડ કરાયા
16 ગેમ ઝોન, પ્લે ઝોન, મેળા અને સર્કસ બંધ
પતરાના શેડમાં, ફાયરની એનઓસી વીના ચાલતા કેટલાક ગેમઝોન અને મેળામાં નિયમોના ઉલ્લંઘનની પોલ ખૂલી ગઇ હતી. રવિવારે દિવસભર પાલિકા અને પોલીસની ટીમે સ્થળ નિરીક્ષણ અને દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ મોડી સાંજે રાજ્ય સરકારને રિપોર્ટ સોંપ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સુરત મહાનગર પાલિકા, પોલીસ, નાયબ મામલતદાર, ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર સહિતના 12 સભ્યોની ટીમે રવિવારે સુરત શહેર વિસ્તારમાં આવેલા તમામ ગેમઝોનમાં ફાયર સેફ્ટી, એન્ટ્રી-એક્ઝિટ ગેટ, ગેમઝોનની માણસો સમાવવાની ક્ષમતા, જરૂરિયાત મુજબના NOC વગેરેની ચકાસણી કરી રિપોર્ટ તૈયાર કર્યો હતો. દરમિયાન ફાયર એનઓસીનો અભાવ, અન્ય વિભાગોની મંજૂરી ન લેવા અને વીજ યુનિટનો લોડ કરતાં વધુ વપરાશ અથવા તો ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવીને કરાવાતી એક્ટિવિટીની તપાસ-પૂર્તતાને જોતાં 16 ગેમ ઝોન, પ્લે ઝોન, મેળા અને સર્કસ બંધ કરાવી દેવાયા હતા.
સુરતમાં આ ગેમ ઝોન અને મેળાઓ કર્યા બંધ
ફ્યુચર ઝોન (વેલેન્ટાઇન સિનેમા પાસે)
રાજહંસ ગેમ ઝોન (અડાજણ મલ્ટીપ્લેક્સમાં)
ડી એક્સ (આનંદ મહલ રોડ)
ફન ફેર (કોસમાડા)
શોટ્સ (વેલેન્ટાઇન સિનેમા પાછળ)
રિબાઉન્સ (પ્રાઈમ શોપર્સ પાસે, વેસુ)
એક્સપ્લોર (ડુમસ રોડ)
બ્લેક બની (વેસુ વીઆઇપી રોડ)
વૂપ્સ (ડુમસ રોડ)
અવધ યુટોપીયા (ડુમસ)
વનિતા વિશ્રામ મેળો (અઠવાલાઇન્સ)
કૂકૂ મેળો (વીઆર મોલ સામે)
સુરત મેળો (પાલ)
મેળો (ખાટુશ્યામ મંદિર પાસે)
રેમ્બો સર્કસ (વરાછા ઝોન)
જાદુગર શો (ડિંડોલી)