ગુજરાતટોપ ન્યૂઝ

વરસાદ બાદ રાજ્યના વિવિધ ભાગોમાં માંદગીનું પ્રમાણ વધ્યું, ડોર ટુ ડોર સરવે થયો શરૂ

Text To Speech

રાજ્યમાં એક તરફ વરસાદનું જોર ઘટી રહ્યું નથી. ત્યારે બીજી તરફ કેટલાંક વિસ્તારોમાં વરસાદના કારણે રોગચાળો પણ માથું ઉચકી રહ્યું છે. ઠેર-ઠેર ભરાયેલા પાણી, કાદવ-કીચડ અને ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને રાજ્યભરમાં મચ્છરોએ રોગચાળાનો ભરડો લેવાની શરૂઆત કરી દીધી છે. મહાનગરો સૌથી પહેલા મચ્છરોના નિશાને આવ્યા છે. મહાનગરોની હોસ્પિટલો હવે મચ્છરજન્ય રોગચાળાથી ઉભરાઈ રહી છે. તો બીજી તરફ અમુક શહેરોમાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને દવાના છંટકાવ સહિત ડોર ટુ ડોર સરવેની કામીગીરી પણ હાથ ધરી છે.

અમદાવાદમાં સ્થિતિ બગડી
અમદાવાદ શહેરમાં વરસાદના પાણી ઓસર્યા બાદ હવે રોગચાળાનો ખતરો વધી ગયો છે. ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે અને તેને કારણે ઘરે-ઘરે માંદગી પ્રસરી છે અને હોસ્પિટલ્સમાં દર્દીઓની ભીડ જામી છે. અમદાવાદમાં વરસતા વરસાદ વચ્ચે રોગચાળાનો પણ ભય જોવા મળી રહ્યો છે. શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે રોગચાળાના ભયને પગલે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. શહેરમાં ફોગિંગની કામગીરી પણ હાથ ધરાઈ છે..

તો બીજી બાજુ પાણીજન્ય રોગચાળાને પગલે પણ શહેરની હોસ્પિટલો ઉભરાઈ રહી છે. AMCના નાયબ મ્યુનિસિપલ કમિશનર આઇ.કે.પટેલે જણાવ્યું કે, રોગચાળાને ડામવા માટેની કામગીરી શરૂ કરી દેવાઈ છે. આ મહિના મલેરિયા અને ડેન્ગ્યૂના કેસ પણ સામાન્ય નોંધાયા છે. જુલાઈ મહિનામાં મલેરિયાના 33 અને ડેન્ગ્યૂના 13 કેસ નોંધાયા છે. તો આ સાથે 1.16 લાખ બ્લડ સેમ્પલ લેવાયા છે.

સુરતમાં મચ્છરજન્ય રોગચાળો
આ તરફ સુરતમાં પણ વરસાદ વચ્ચે રોગચાળો ફાટી નીકળ્યો છે. લોકો પાણી અને મચ્છરજન્ય રોગમાં સપડાઈ રહ્યા છે. મચ્છરજન્ય રોગ અને વાયરલ ઈન્ફેક્શનના કેસ વધતા શહેરની નવી સિવિલ, સ્મીમેર સહિત ખાનગી હોસ્પિટલોની OPD દર્દીઓથી ઉભરાઈ છે. નવી સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર અને OPDમાંથી આશરે 100 જેટલા કેસ નોંધાયા છે. દર્દીઓને કોઈ તકલીફ ન પડે તેના માટે સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડની અલાયદી સુવિધા ઉભી કરાઈ છે. શહેરમાંથી તાવ, ઝાડા ઉલટી, મેલેરિયા, શરદી, ડેન્ગ્યુ અને કમળો સહિતના પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના કેસ નોંધાયા છે.

પોરબંદરમાં ઠેર ઠેર ગંદકી જ ગંદકી
આ તરફ પોરબંદર શહેરમાં ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.વરસાદી પાણીનો ભરાવો થતા મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે.જેને કારણે રોગચાળો વકરવાનો ભય વધી ગયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અમુક વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ છે.આ અંગે સ્થાનિક તંત્રને જાણ કરી હોવા છતાં કોઈ જ કામગીરી કરવામાં નથી આવતી. બીજી તરફ પાલિકાના ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર જગદીશ ઢાકી દાવો કરી રહ્યા છે કે, જે વિસ્તારોમાં ગંદકી છે સાફસફાઈ અને મચ્છરોનો ઉપદ્રવ છે ત્યાં દવાના છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જ ડોર ટુ ડોર વાહનો થકી કચરો એકત્ર કરવાની પણ કામગીરી થઈ રહી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે.

રાજયના અમુક વિસ્તારોમાં આગામી પાંચ દિવસોમાં વરસાદની આગાહી છે.જો તંત્ર તરફથી રોગચાળાને કાબુમાં કરવા માટે નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવે તો બિમારીના કેસ વધે તેવી ભિતી સેવાઈ રહી છે.. આ સ્થિતિમાં સ્વચ્છતા અભિયાન અને દવાના છંટકાવ સહિતની કામગીરી ત્વરીતે હાથ ધરવામાં આવે તે સમયની માગ છે.

Back to top button