ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

લેબનોનમાં પેજર બ્લાસ્ટ બાદ હવે વોકી-ટોકી વિસ્ફોટ! બેથી વધુના મૃત્યુ, ઘણા ઘાયલ

લેબનોન, 18 સપ્ટેમ્બર: લેબનોનમાં મંગળવારે પેજર બ્લાસ્ટ બાદ હવે આજે બુધવારે વોકી-ટોકીમાં વિસ્ફોટ થયા છે. મળતી માહિતી મુજબ, હિઝબુલ્લાના ત્રણ સભ્યો અને એક બાળકના અંતિમ સંસ્કારના સ્થળે બહુવિધ વિસ્ફોટ થયા હતા.  તે લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા, જેમના મૃત્યુ એક દિવસ પહેલા પેજર બ્લાસ્ટમાં થયા છે.  ત્યારે હવે વોકી-ટોકીમાં થયેલા વિસ્ફોટોમાં બેથી વધુ વ્યક્તિના મૃત્યુની માહિતી મળી રહી છે,જ્યારે  100થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો છે.

 

ઘણા વિસ્તારોમાં વિસ્ફોટની માહિતી
હિઝબુલ્લાના અલ મનાર ટીવીએ લેબનોનના કેટલાક વિસ્તારોમાં વિસ્ફોટના અહેવાલ આપ્યા છે. મળતી માહિતી મુજબ, વિસ્ફોટ વોકી-ટોકીમાં થયા હતા. વિસ્ફોટની નવી ઘટનાઓ બાદ લેબેનોનમાં ફરી એકવાર ગભરાટનો માહોલ છે. હિઝબુલ્લાના એક અધિકારીએ, જેમણે ઓળખ નકારી કાઢી હતી, તેમણે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે, ગ્રુપ દ્વારા ઉપયોગમાં લેવાતા વોકી-ટોકીમાં વિસ્ફોટ થયા હતા અને તેનો અવાજ બેરૂતમાં સાંભળવામાં આવ્યો હતો. લેબનોનના સુરક્ષા અધિકારીઓનું કહેવું છે કે, જે વોકી-ટોકીમાં વિસ્ફોટ થયા, તેને હિઝબુલ્લાહ દ્વારા પેજરની સાથે ખરીદવામાં આવ્યા હતા.

પેજરમાં વિસ્ફોટ થયા હતા

ઉલ્લેખનીય છે કે, મંગળવારે લેબનોનની રાજધાની બેરૂત સહિત સીરિયામાં ઘણી જગ્યાએ પેજર બ્લાસ્ટ થયા હતા. પેજરમાં થયેલા વિસ્ફોટોમાં આઠ વર્ષની બાળકી સહિત ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા હતા અને લગભગ 3,000 લોકો ઘાયલ થયા હતા. એક અમેરિકન અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ઈઝરાયેલે ઓપરેશન સમાપ્ત થયા બાદ અમેરિકાને આ અંગે જાણ કરી હતી. હિઝબુલ્લાએ પેજર બ્લાસ્ટ માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે અને બદલો લેવાની ધમકી આપી છે.

 

ઈઝરાયેલની ચેતવણી

ગત વર્ષે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર આતંકી સંગઠન હમાસના લડવૈયાઓએ હુમલો કર્યો હતો. ત્યારથી, હિઝબુલ્લા અને ઇઝરાયેલી સેના વચ્ચે લગભગ દરરોજ ગોળીબાર થાય છે. અત્યાર સુધીમાં લેબનોનમાં ગોળીબાર અને હુમલામાં સેંકડો લોકો માર્યા ગયા છે, જ્યારે ઇઝરાયેલમાં પણ ડઝનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. સરહદની બંને બાજુથી હજારો લોકો વિસ્થાપિત પણ થયા છે. ઇઝરાયેલના નેતાઓએ તાજેતરના અઠવાડિયામાં ઘણી ચેતવણીઓ જારી કરી છે કે લેબનોનમાં હિઝબુલ્લાહ સામેની ઝુંબેશ વધુ તીવ્ર બની શકે છે.

આ પણ જૂઓ: બીજા દેશમાં આ રીતે છુપાઈને રહે છે ઇઝરાયેલની સુરક્ષા  એજન્સી ‘મોસાદ’ના એજન્ટો

Back to top button