રાષ્ટ્રગીત બાદ બાંગ્લાદેશને હવે રાષ્ટ્રપિતા પણ બદલવા છે! જાણો કોણે આવી માંગ કરી?
નવી દિલ્હી, 13 સપ્ટેમ્બર : શું હવે બાંગ્લાદેશ બદલાઈ ગયું છે? 5 ઓગસ્ટે શેખ હસીનાની સરકારને સત્તા પરથી હટાવ્યા બાદ દેશમાં સ્થિતિ એવી જ જોવા મળી રહી છે. મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં દેશમાં વચગાળાની સરકાર ચાલી રહી છે અને આ દિવસોમાં બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધનું નેતૃત્વ કરનાર મુજીબર રહેમાન સામે પણ અભિપ્રાયો વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. આટલું જ નહીં, હિંસક વિરોધ દરમિયાન દેશમાં ઘણી જગ્યાએ બંગબંધુના નામથી પ્રખ્યાત મુજીબર રહેમાનની મૂર્તિઓને પણ હથોડીથી તોડી નાખવામાં આવી હતી. એટલું જ નહીં, હવે સ્થિતિ એવી છે કે ઢાકામાં પાકિસ્તાનના સર્જક કહેવાતા મોહમ્મદ અલી ઝીણાને રાષ્ટ્રપિતા જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, બુધવારે ઢાકા પ્રેસ ક્લબ ખાતે મોહમ્મદ અલી ઝીણાની 76મી પુણ્યતિથિ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઝીણાને યાદ કરવામાં આવ્યા હતા અને મુજીબર રહેમાનના સ્થાને તેમને રાષ્ટ્રપિતા જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. 1971માં મુક્તિ સંગ્રામ બાદ બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું હતું. આ ચળવળ મુખ્યત્વે બંગાળી અને ઉર્દૂ ભાષાઓના વિવાદ પછી શરૂ થઈ અને પૂર્વ પાકિસ્તાન નામનો ભાગ બાંગ્લાદેશ તરીકે અલગ દેશ બન્યો હતો. અવામી લીગ એ જ વારસા સાથે જોડાયેલી છે, પરંતુ હવે શેખ હસીના દેશ છોડીને ભાગી ગયા બાદ પાકિસ્તાન તરફી તત્વોનું વર્ચસ્વ છે.
પાકિસ્તાન આર્મી સાથે બાંગ્લાદેશના લોકો સામે લડનાર જમાત-એ-ઈસ્લામી જેવા સંગઠનો હવે વધુ મજબૂત થતા જણાય છે. ઢાકાના નેશનલ પ્રેસ ક્લબમાં બુધવારે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉર્દૂ કવિતાઓ વાંચવામાં આવી હતી અને કેટલાક લોકોના ભાષણો પણ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન બાંગ્લાદેશના ધ્વજ અને રાષ્ટ્રગીતને પણ બદલવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. આવી માગણીએ બાંગ્લાદેશમાં ઉદારવાદીઓને ફટકો આપ્યો છે અને તેમના માટે ચિંતાનો વિષય છે. બાંગ્લાદેશના સોશિયલ મીડિયામાં પણ આવી માંગ વધી રહી છે.
પ્રેસ ક્લબમાં આયોજિત કાર્યક્રમમાં ઘણા વક્તાઓ એ પણ કહ્યું કે બાંગ્લાદેશ બે વાર આઝાદ થયું છે. બાંગ્લાદેશને એક વખત 14 ઓગસ્ટ, 1947ના રોજ આઝાદી મળી હતી અને બીજી વખત 5 ઓગસ્ટ, 2024ના રોજ આવું બન્યું હતું. આ ટિપ્પણીમાં મહત્વની વાત એ છે કે બાંગ્લાદેશની રચના વખતે 1971નો કોઈ ઉલ્લેખ નથી. આ રીતે વક્તાઓએ પાકિસ્તાનથી અલગ થવાની વાત ખોટી ગણાવી હતી. આ સાથે ઝીણાને રાષ્ટ્રપિતા જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી.